છોટા૦: (મશ્કરી સમજવા છતાં એ કલ્પનાના આકર્ષણના ઉત્સાહમાં) હા, હોં, અલ્યા ! તો મજા બહુ પડે; પ્લેટ મૂકીને પછી ફાસ્ટ મારી મૂકવી. જેટલી વાર પાઠ કરવા હોય તેટલી વાર કરી નંખાય.
મનહર૦ : બસ. અને પાંચ સાત ફોનોગ્રાફો હોય તો એકજ માણસ એક સાથે ઘણા પાઠ કરી શકે. એક ફોનોગ્રાફની શી કિંમત બેસે ?
અનન્ત૦ : હમણાં તો ત્રીસ ત્રીસનાં હલકાં મળી શકે છે.
છોટા૦ : એ તો બહુ ભારે કહેવાય.
અનન્ત૦: (હજી મશ્કરીમાં) કોઈ ભાટિયા જજમાનને ઊભો કરો.
જયંતી૦ : અલ્યા, પણ પછી જજમાન જ ફોનોગ્રાફ રાખીને પાઠ કરાવી લે, તો આપણો કોઈ ભાવ ન પૂછે હોં ! વરરાજા, તમે હિકમત તો સારી બતાવી પણ બકરું કાઢતાં ઊંટ પેસે એવું થયું.
અનન્ત૦ : (હજી પણ મશ્કરીમાં) તો એક બીજી હિકમત બતાવું.
છોટા૦ : શી?
અનન્ત૦ : અમારે પરીક્ષાના દિવસો ચાલતા હોય ત્યારે પુસ્તકો વાંચતાં જે ભાગ આવડતો હોય તે અક્ષરે અક્ષર ન વાંચીએ, તેના ઉપર માત્ર આંખ ફેરવી જઈએ. તેમ તમારે પણ પાનાં ઉપર આંખ ફેરવી જવી. શબ્દે શબ્દ ન વાંચવો.
મનહર૦ : એમાં તો વરરાજા, તમારા કરતાં અમારી પાસે વધારે સારી યુક્તિ છે. પાનાં ઉપર આંખ પણ અમે નથી ફેરવતા, માત્ર પાનું જ ફેરવીએ છીએ.
અનન્ત૦ : હાસ્તો, કારણકે એ પાનામાં ચંડીપાઠ છે એટલું તો તમે જાણતા જ હો છો, ને એથી વધારે જાણવાની તમારે