ત્યાં એક છોકરાનું કરો વાગવાથી માથું ફૂટે છે. નજીકમાં એક મોટો કરો પડીને ભાંગે છે તેના કકડા ચોતરફ ઊડે છે. અનન્ત૦ તેમના તરફ
દોડતો જાય છે. છોકરાને પકડવા જતાં બન્ને રડે છે અને પાળિયામાં
નાસભાગ કરે છે, “નહિ માબાપ” “નહિ માબાપ”ની બૂમો પાડે
છે, હાથથી અનન્ત૦ને વારે છે. અનન્ત૦ બન્નેને તરફડિયાં મારતા
પકડીને મંદિર તરફ દોડતો આવે છે. અનન્ત૦ ને પણ માથામાં એક
કરો વાગે છે ને ઢીમણું થાય છે. આ બધું મનહર૦ જયંતી૦ અને
છોટા૦ કંઈક ન સમજાતું હોય તેમ જડ જેવા જોઈ રહે છે. અનન્ત૦
પગથિયાં ચડવા જાય છે એટલે ત્રણે ય ઘાંઘા થઈ સામા થાય છે,
પાનાંવાળા હાથ ઉગામે છે, એક જણ ઘંટને પકડવા જાય છે, એક
જણ નગારાનો દાંડિયો ફેંકે છે. અનન્ત૦ જોરથી “ખબરદાર” એવી
બૂમ પાડે છે એટલે ત્રણે ય ડરીને પગથિયાં આગળ મારગ દઈ દે છે,
અને ભય અને લાચારીથી લાંબા હાથ કરી કરીને ડોળા કાઢતા “ચાંડાલ
બ્રહ્મરાક્ષસ, પાપી, વર્ણસંકર, આ શું કરવા બેઠો છે? નાતને બોળવા
બેઠો છે, કુલાંગાર” વગેરે ગાળો અને શાપો બોલે છે, અને ઢેઢના
છોકરાને મારવા તડે છે; ઢેઢના છોકરા બીજી બાજુ “વૉય બાપલિયારે !
માબાપ અમે શું કરીએ!” એવી બૂમો પાડે છે.
અનન્ત૦ : ( નાતીલાઓને ) ખબરદાર એમને જો કાંઈ કર્યું છે તો ! ( ત્રણે ય ડરીને દબાઈ જાય છે: બીજી બાજુ ઢેઢના છોકરાને) જો ચસક્યા છો તો !
થોડી વારે કરા બંધ પડે છે. હજી ઢેઢનાં છોકરાં “ઊં ઊં” “માબાપ” “માબાપ” કરે છે.
જયંતી૦: છોટા૦: મનહર૦: |
(નાસતાં નાસતાં: એક સાથે) હત્ તારું સત્યાનાશ જાય તારું. માતાને અભડાવ્યાં ? જોઈ રાખજે, ચાંડાલ, નાતમાં તારું શું થાય છે ! |
અનન્ત૦ : ( ઢેઢના છોકરાને પંપાળતો ) હવે શા માટે બૂમો પાડો છો ને રુઓ છો ? એ તો ગયા. હવે માતાના મંદિરમાં આવ્યા ન આવ્યા થવાના છો ?