હવે પછીની વાતચીતમાં ઢેઢના છોકરા ક્યાંક એક જ બોલે છે,
ક્યાંક બન્ને બોલે છે.
છોકરા : માબાપ હવે જવા દો. અમારો કૂટરડો કાઢી નાંખશે.
અનન્ત૦ : (ફોસલાવી બીક મટાડવા માટે મશ્કરીમાં) તમને અડી જ શકવાના નથી ને ! અડ્યા વગર મારશે શી રીતે?
છોકરા : માબાપ ! અમને હીમખીમ જવા દો.
અનન્ત૦ : જો, હું તારે માથે પાટો બાંધું, પછી બેઈ જણા જાઓ, હોં !
છોકરા ડરમાં બેસી રહે છે. અનન્ત૦ પોતાના ધોતિયામાંથી ચીરા ફાડી પાટો બાંધતો જાય છે અને સાન્ત્વન આપવા પૂછતો જાય છે.
અનન્ત૦ : અલ્યા તમારે માબાપ છે કે?
છોકરા : હા, માબાપ !
અનન્ત૦ : શો ધંધો કરે છે?
છોકરા : ખેતીનો.
અનન્ત૦ : તે આ શેની માનતા માની’તી ?
મોટો છોકરો : અમારી બહેન ટેટલી માંદી હતી તે જયંતી મારાજે આજ માનતા કરવાની કહી’તી, માબાપ !
અનન્ત૦ : પણ એમાં માબાપ માબાપ શું કરો છો?
છોકરા : હા, માબાપ !
અનન્ત૦ : ( હસીને ) જો પાછા ! તમારાં માબાપ તો તમારે ઘેર છે. મને શા સારુ માબાપ કહો છો ! હવે ન કહેતા હોં !
છોકરા : હવે નહિ કહીએ, માબાપ !
અનન્ત૦ : ( હસીને ) ઠીક લ્યો ત્યારે જાઓ. પેલું નાળિયેર ખાવું હોય તો ખાઓ. કહો તો વધેરી આપું !
છોકરા : ના માબાપ ! માતાને ધરાવેલું ક્યમ કરીને ખવાય ?
અનન્ત૦ : ( હસીને ) ઠીક ત્યારે, જાઓ માબાપ !