છોકરા : ( જતાં જતાં જરા અચકાતા અચકાતા )
માબાપ ! નાવું હોય તો પેલું તળાવ ત્યાં રહ્યું, માબાપ !
અનન્ત૦ જવાબમાં ડોકું ધુણાવે છે, તેમને જતા જોઈ રહે છે. થોડીવાર ઊંડા વિચારમાં ઊભો રહે છે ને પડદો પડે છે.
દૃશ્ય ત્રીજું
સમય એ જ રાતનો. છૂટી ઓશરી ને પછવાડે બે ઓરડા, એવા જાનીવાસામાં લલિતા એકલી જ છે. માણસ ઊંડા વિચારમાં ઝીણે સૂરે ગાય તેમ સોહનીના સૂરોમાં ગાય છે. તેમાં કોઈ કોઈ જગાએ “મન રામ ભજ રામ” શબ્દો વેરાયેલા મળી આવે છે. ગાતી ગાતી સામાન સરખો કરતી જાય છે, અને કોઈ વાર ઓશરીની થાંભલીને અઢેલીને ઊભી ઊભી એ જ સૂરો કાઢ્યા કરે છે. ત્યાં ખડકી બહારથી પરશોતમનો ધીમો અવાજ આવે છે.
અવાજ : એ... ! વરરાજા છે કે.. ?
લલિતા : એ ના...ઓ... !
અવાજ : હજી નથી આવ્યા ?
લલિતા : ના માસા ! હજી નથી આવ્યા.
ફરી શાન્તિ પથરાય છે. લલિતા નીચે બેસી એના એ શબ્દો ગાતી સોહનીમાંથી જોગીમાં સરી પડે છે ને ફાનસની વાટ નીચી ઊંચી કરતી જાણે વાટ સાથે રમે છે. ત્યાં બહારથી અનન્ત૦નો અવાજ આવે છે.
અવાજ : લલિતા, ઉઘાડ.
લલિતા : આવ્યા ભાઈ, લ્યો ઉઘાડું.
ઉઘાડે છે. અનન્ત૦ અંદર આવે છે. ધ્યાનપૂર્વક જાનીવાસો જુએ છે. લલિતા ફાનસની વાટ મોટી કરે છે.
અનન્ત૦ : મામા, મામી, સુભદ્ર, દીપુ બધાં ક્યાં ગયાં કેમ કોઈ દેખાતું નથી ?