લલિતા : પણ માસા ! એમાં ભાઈનો વાંક નથી. નહિ
તો બીચારા મરી જાત.
પરશો૦ : તું સૉત પાછી એમ બોલે છે ? આપણી નાતને ઓળખ છ ?
લલિતા : ઓળખીને પણ શું થાય માસા !
પરશો૦ : તોરણેથી પાછો કાઢે એવી—ઢેઢ જેવી છે. જાણ છ, ઓલ્યા તનમનશંકર ને જયંતીલાલ ટાંપી રહ્યા છે. મેં અત્યાર સુધી તાણી ઝાલ્યું છે. કેટલી વાર પંડ્યાની દાઢીમાં હાથ ઘાલ્યો છે ત્યારે તમારી આ પરણવા સુધી વાત આવી છે. બધા ઉપર પાણી ફેરવવા ઊભાં થયાં છો !
લલિતા : હશે માસા, થવાનું થઈ ગયું તેમાં શું કરીએ !
પરશો૦ : તમે હાથે કરીને દુઃખી થાઓ એવાં છો. નાતમાં તો જેનું જૂથ હોય તે જીતે. જુઓ મારે અરધી નાતમાં સંબંધ છે. ગણ્ય, મારે ત્રણ ફઈઓ, પાંચ બહેનો, ચાર દીકરીઓ, ને હું ત્રણ વાર પરણ્યો. એટલાનો જ હિસાબ કર્ય, તો અરધી નાત થઈ જાય. તમે સમજો એવાં નથી, તે ચોખું ફૂલ કરીને કહેવું પડે છે. તારી બહેનને આવડી મોટી થવા દીધી, એ તો ભલે ને જાણે પરણાવવા જેવડી થઈ, ને પાછી વળી, ને એટલામાં તમારાં માબાપ મરી ગયાં, ને તે વખતે રહી ગયું. પણ પછી બેસી રહ્યાં, તેના કરતાં બે વરસ પહેલાં પરણાવી દીધી હોત, તો એનાં સગાં અત્યારે કામ આવત ને!
અનન્ત૦ : માસા, તમે ચોખ્ખું કહ્યું ત્યારે હું ય કહું છું. તમે જ કહેતા’તા કે જયંતિયો ને તનમનિયો, ઘરે ય સારું નહિ, ને વરે ય સારા નહિ. ને હું મારી બહેનને કુવામાં નાંખું, એ તો સમજશો જ નહિ. તેના કરતાં ભલે એ ય કુંવારી રહે, ને હુંય કુંવારો રહું. તેની મને કશી ચિંતા નથી.
પરશો૦ : પણ શા સારુ તારે ય કુંવારા રહેવું, ને એને ય કુંવારી રાખવી ? તમે નાતનાં અજાણ્યાં છો, હું અજાણ્યો નથી.