લલિતા : હા, તમે અમારી પડખે ઊભા છો, પછી અમારે
શી બીક છે ?
પરશો૦ : ( અવાજ ઢાળીને ) મારું એ જ કહેવું છે. હું તમારી પડખે જ ઊભો છું. પણ મારે ય વહેવાર સાચવવાનો છે બાપલા ! હું કોઈના વેણમાં ઊભો રહ્યો હોઈશ, ત્યારે આજ મારા વેણમાં કોઈ ઊભા રહે છે ના ? એ તો રાખે એવી રખાપત છે. માટે કાલ ડાહ્યા થઈને વરતજો. નાતનું પંચ કાલ બોલાવવાના છે. સવારમાં ગોર ફરશે. તમે બેઈ વિચાર કરીને નક્કી કરીને મળી જજો. હું આપણો પક્ષ ભેગો કરીશ. ને હું કહું એમ કરશો તો ( અનન્ત૦ને ) તું ય સુખી થઈશ, ને ( લલિતાને ) તું ય સુખી થઈશ. મૂંઝાઇને નાસી જશો, તો બાપનું નાક કપાવશો. હું તમારા પક્ષનો છું, માટે કહું છું. લ્યો બેસો, ભાઈબહેન ! હું જાઉં છું.
પરશો૦ જાય છે. લલિતા ઊઠીને ખડકી વાસે છે. પાછી આવી પરથાર પર બેસે છે. થોડીવાર બન્ને ભાઈબહેન ચૂપ રહે છે.
અનન્ત૦ : આ માણસ શી પક્ષની વાતો કરે છે ને !
લલિતા : સ્વાર્થી માણસને માત્ર એક જ પક્ષ હોય છે— પોતાનો. બાકી જ્યાં સ્વાર્થ સધાય ત્યાં એનો પક્ષ. ( જરા અટકીને ) તમે એની વાત તો સમજ્યા ને ?
અનન્ત૦ : કેમ નહિ ? મને તો વચમાં વચમાં એવું થઈ જતું’તું, કે તારે વિશે કાંઈ ખોટું સૂચન કરે તો એક લપડાક ચોડી દઉં. પણ માળો એવો પક્કો, ઠેઠ સુધી ક્યાંઈ સ્પષ્ટ બોલ્યો નહિ.
લલિતા : તમે કહો છો ને આપણા લોકો પોલિટિકલ નથી !
બારણામાં એક ટકોરો થાય છે. ભાઈબહેન શાંત રહી સાંભળે છે. ફરી એક ટકોરો થાય છે.
અનન્ત૦ : કોણ ?