અવાજ : ઉઘાડો.
અનન્ત૦ લલિતા સામું જોઈ જઈને ઉઘાડે છે. તનમનશંકર પ્રવેશ કરે છે. તેણે માથામાં સુગન્ધી તેલ નાંખ્યું છે. આગળ બાબરી આળેલી છે, અને ચોટલી પણ ઓળીને ગાંઠ વાળેલી છે. પાટલી ચીપીને ધોતિયું પહેરેલું છે. ઝીણા સફેદ ફલાલીનના પહેરણ ઉપર સાચી જરીની શાલ ઓઢેલી છે. તે આવતાં જ—
અનન્ત૦ : આવો તનમનશંકરભાઈ ! બેસો.
તનમન૦ : ( બેસતાં, બેસતાં ઊંડા દુઃખના અવાજથી ) આપણી નાત જેવી કોઈ નિર્ભાગી નાત નથી.
અનન્ત૦ : એમ કેમ ?
તનમન૦ : આ જુઓને. તમારા જેવા પુરુષાર્થ કરીને આગળ પડે તેવા આશાજનક યુવાન સામે કેટલો બધો વિરોધ કરે છે?
અનન્ત૦ : હોય એ તો, તેમાં શું કરીએ ?
તનમન૦ : તમે તમારી ઉદારતાથી એમ કહો, પણ મારાથી કેમ સંખાય ? અને તમારું તો ઠીક. તમારાં બહેન માટે પણ ખરાબ બોલે છે ! કોઈ પણ માણસાઈવાળો માણસ સહન ન કરી શકે.
અનન્ત૦ : કેમ શું બોલે છે? નાતનો ગુનો કર્યો હોય તો મેં કર્યો છે, તેમાં મારી બહેનને શું છે?
તનમન૦ : એવી વાતો કરે છે કે કોઈ પણ બાઈના સાંભળતાં તો શું, પણ પુરુષોના પણ સુધરેલા સમાજમાં ન બોલી શકાય.
લલિતા : પણ તેમાં આપણને શું? દરેક માણસ પોતાની કલ્પનાથી અને પોતાની વાણીથી પોતાની જ કિંમત કરાવે છે.
તનમન૦ : નિષ્ક્રિય પડી રહેવું એ અમારો સિદ્ધાન્ત નથી. આપણે નાતને સુધારવાને પ્રયત્નો કરવા જોઈએ. આપણી વાત સાચી હોય તો આપણે શા માટે સત્ય ઉપર ઊભા રહી, વિરોધ કરી, સત્યનો જય ન મેળવી શકીએ ?