અનન્ત૦ : હા, તેવો કોઈ ઉપાય હોય તો જરૂર કરીએ.
પણ તમે માનતા જણાઓ છે તેવો કોઈ તાત્કાલિક ઉપાય
મને જણાતો નથી.
તનમન૦ : આપણે જેમ રાજ્યપ્રકરણમાં આપણા મતના માણસો એકઠા કરીને લડીએ છીએ તેમ નાતમાં પણ આપણે પક્ષ કરીએ, તો જીતીએ. નાતમાં એક વિશેષ ફાયદો છે કે આ નવી પદ્ધતિ ઘણાખરા માણસો જાણતા નથી.
અનન્ત૦ : મને એવો કોઈ માર્ગ જણાતો નથી.
તનમન૦ : આ એક નીતિ નક્કી કરવાનો પ્રશ્ન છે, તેને માટે મંત્રણા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે षट़्कर्णो भिद्यते मऩ्त्र।[૧] આપણે અંદર એકાન્તમાં ચાલો. છૂટથી વાત થઈ શકે.
અનન્ત૦ : ( તનમન૦ સાથે ઊઠીને જતાં જતાં કટાક્ષમાં) લલિતા ! તનમનશંકરભાઈની સાથે મંત્રણા કરવા હું ઓરડામાં જાઉં છું. તું બહાર બેસી રહેજે, એટલી વાર.
લલિતા : ભાઈ, જાળવજો હોં. ઉશ્કેરાઈ ને કશી વાત ન કરશો.
અનન્ત૦ : ફિકર નહિ.
બન્ને ઓરડામાં જાય છે, થોડી ગુસપુસ વાત કરે છે. ત્યાં ધડ દઈને માર્યાનો અવાજ થાય છે. તનમન૦ ઓરડામાંથી દોડતો આવી ખડકી ઉઘાડી નાસે છે. પાછળ અનન્ત૦ દોડતો આવે છે.
અનન્ત૦ : હત્! કમબખ્ત લુચ્ચા ! બાયલા !
અનન્ત૦ પાછળ જવાનું કરે છે તેને લલિતા પકડી રાખે છે, ને ખડકી બંધ કરી આવે છે. બન્ને બેસે છે. થોડીવાર પછી–
લલિતા : ( ધીમા ઠપકાને આવજે ) મેં ના પાડી’તી તોય ન રહેવાયું ?
- ↑ ❋ મન્ત્રણા છ કાને જાય તો ફૂટી જાય.