અનન્ત૦: પણ તને શી ખબર, એ શું બોલ્યો તારા વિશે ?
લલિતા: મને ખબર વિના મેં તમને ન ઉશ્કેરાવાનું કહ્યું હશે ?
અનન્ત૦: ( હજી ઉશ્કેરાયેલો ) બસ જ્યાં ત્યાં પક્ષ કરવો ને પરણવું બીજી વાત નથી ! પરણ્યા સિવાય પક્ષ થતો જ નથી !
લલિતા : તેમાં તમને નવાઈ ન લાગવી જોઈએ. તમે જ તે દિવસે કહેતા હતા ને, કે નાત બીજું કાંઈ નથી, પણ પરણવાની સોસાયટી છે. તો નાતના પક્ષો પણ પરણીને જ થાય ને !
અનન્ત૦ : ( જરા જરા ઉશ્કેરણી ઊતરતી જાય છે) અરરરર્! આવી નાત !
લલિતા : ભાઈ, તમે શા સારુ ચિડાઓ છો? તમારે તો ગમતું થાય છે. આમે ય પરણવાને માટે તમે કેટલા ઉદાસીન હતા ! હવે થયું. જાઓ, ગામમાં જઈ ગાડું કરી આવો તો રાતની રાત ચાલતાં થઈએ. નાત રહી નાતને ઠેકાણે.
અનન્ત૦: ( વિચારીને. ઉશ્કેરણી હવે લગભગ શમી જઈ ને પછવાડે દૃઢતા અને ભારે અવાજ મૂકતી ગઈ છે. દરેક વાક્ય પૂરું થતાં જરા જરા અટકીને )ના, હવે હું એમ નહિ જાઉં. વિવાહ તોડશે તેમાં મને તો કંઈ લાગવાનું જ નથી ! ( લલિતાના મોં પર જરા નકારનો ભાવ દેખતાં, જરા વધારે ભારથી ) એમને એમ ચાલ્યો જાઉં તો એ લોકો મને બીકણ ગણે. (વધારે સખ્ત બોલાઈ ગયું એવું ભાન આવતાં, એ જ દૃઢતાથી પણ જરા મશ્કરીમાં ) તું કહેતી હતી કે ચાલો નાત જોવાશે. તો હવે નાત પૂરેપૂરી જોઈને જ જઈએ ! માત્ર જોવી જ નથી, ( પડેલ ટ્રંક ઉપર આંગળી પછાડતાં ) તેમની સાથે ઠેઠ સુધી દલીલ કરવી છે.