કેશવ૦: બસ હવે કજિયાનું મોં કાળું. એ તો ઘીના ગાડવામાં ઘી જ ભરાશે. લખચંડી કરી નાંખો, ને વાજતે ગાજતે જમાડો ને જાન ઉઘલાવો. આપણી નાત જેવી કોઈ સમજણી નાત નથી.
કોઈ વૃદ્ધ : આપણી નાત જેવી કોઈ પવિત્ર નાત નથી !
તનમન૦ : (પરશો૦ને) તમે કોઈની પાસે લખચંડીના ખરચનો આંકડો નક્કી કરાવો.
કોઈ વૃદ્ધ : બધા બ્રાહ્મણોમાં આપણે શ્રેષ્ઠ છીએ.
પરશો૦ : આપણી નાત જેવી કોઈ નાત થવી નથી. ત્યારે ત્રિભુવન ભટ્ટ, લખચંડીનો આંકડો નક્કી કરો.
ત્રિભુ૦ : લખચંડી નહિ સહસ્રચંડી મેં તો કહી છે. ને એનો આંકડો—એમાં શો કરવો’તો? પાંચ વરસ ઉપર મેં કરાવી’તી ત્યારે હજાર રૂપિયા થયા’તા. આ વરસ કંઈક મોંઘારત છે, એટલે બસો વધારે થાય, એટલું.
પરશો૦ : ત્યારે હવે રૂપિયાનું કરો, ને કાલથી શરૂ કરો.
ત્રિભુ૦ : કેમ અનન્તરાય, એટલા રૂપિયા રોકડા કાઢશો, કે જોગ કરતાં કાંઈ વાર લાગશે ?
અનન્ત૦ : રૂપિયા મારે કાઢવાના ? સમજફેર થાય છે. મેં એમ કહ્યું નથી !
અવાજો : હેં ! ત્યારે બીજું કોણ આપે ? લ્યો સાંભળો ! ત્યારે કોણ નાત આપવાની હતી ? અલ્યા, અભડાવ્ય તું ને સહસ્ત્રચંડી કોક કરે ? લે માળો ફરી ગયો !
અનન્ત૦ : મારા મત પ્રમાણે તો મેં સ્થાનકને અભડાવ્યું જ નથી. છતાં તમે એમ માનતા હો, ને તમારે શુદ્ધિ કરવી હોય તો કરો. એટલું જ મારું કહેવું હતું.