પાર્વતી૦ : (લાકડી પછાડીને) ત્યારે નાતને મફત અભડાવાશે એમ ! નાતને ઓળખો છો ? નહિ ઓળખતા હો–નાતમાં રહ્યા નથી તે. (લાકડીવતી જમીન પર લીટા દોરતાં) નાત તો સગાઈ તોડશે, મીઢળવાળે હાથે પાછાં જવું પડશે, ફરી કોઈ ચાંલ્લો નહિ કરે, ને એ...ન તે આટલેથી (પોતાના નાકપર છરીની પેઠે આંગળી ફેરવતાં) નાક વઢાઈ જશે.
અનન્ત૦ : મારી એક વાત સાંભળો. તમે મને નાત બહાર મૂકવો હોય તો મૂકો. પણ એક ન્યાયની દૃષ્ટિથી વિચાર કરો. તમે મારી પાસે હજાર રૂપિયા ખરચાવીને સહસ્ત્રચંડી કરાવો છો, તે સ્પર્શદોષ ટાળવા માટે. હવે હું જો પૈસા ન આપું, તો તમે એટલા ખરચીને સ્પર્શદોષ ટાળવાનો છો ?
કોઈ વૃધ્ધ : અમે શા સારુ ખરચ કરીએ ? જેણે પાપ કર્યું હશે એને પાશ્ચત લાગશે. તેમાં અમારે શું ?
અનન્ત૦ : ત્યારે માતાનો કોપ માથે વહોરી લેવા હું તૈયાર છું. મારી પાસે શા માટે સહસ્રચંડી કરાવો છો ? તમે પોતે સહસ્રચંડી વિના પણ માતામાં તમારા વ્યવહાર ચલાવી શકવાના છો !
જયંતી૦ : પણ નાત કહે છે કે તમારે સહસ્રચંડી કરાવવી.
અનન્ત૦ : પણ તમે માનો, તે ન કરો, ને હું ન માનું, તેની પાસે કરાવવી, એનો અર્થ શો?
ત્રિભુ૦: ( પહેલી જ વાર ક્રોધે ભરાઈને ) તમે ધર્મની બાબતમાં તર્ક ન કરો. તમે જાણો છો ? તર્ક કરવાથી ઇંદ્રને પણ શિયાળ થવું પડ્યું હતું !
અનન્ત૦ : (જરા હસીને) પણ હું શિયાળ નથી થઈ ગયો એ જ બતાવે છે કે હું ખોટો તર્ક નથી કરતો.
વૃદ્ધો : અરે દુષ્ટ ! નાતનું અપમાન ! તારી સાત પેઢી નરકમાં જશે, કુલાંગાર ! તનમનશંકર, તમે કેમ કાંઈ બોલતા નથી ?