અનન્ત૦ ધીરે પગલે આખી સભા સામું જોતો ચાલ્યો જાય છે. બધાં બધાં જુદાં જુદાં ઘચૂંમલાંમાં ઊઠવા માડે છે.
ત્રિભુ૦: ( પંડ્યાને ) આજે તનમનશંકરે નાતનું નાક રાખ્યું છે હોં !
જયંતી૦ : જુઓને એના મોં પર જરા ય શોક દેખાય છે ?
પાર્વતી૦ : આ વંશ જવા બેઠો છે તોય રોફ છોડે છે?
મનહર૦ : એવાનો વંશ શેનો જાય ? ક્યાંક મુંબઈમાં પરણવાનું પહેલેથી નક્કી કરીને જ આવ્યા હશે. નહિતર મીઢળબંધા પાછા જવાનું કબૂલ કરે ?
પાર્વતી૦: ભલેને ! મુંબઈમાં પરણશે ને છોકરાં થશે, પણ એવા વર્ણશંકરથી વંશ રહેવાનો હતો ?
તનમન૦: કેમ ત્રિભુવન ભટ્ટ ક્યાં જશો? બે ઘડી મારે ત્યાં બેસો ને ! કેમ પંડ્યા !
વૃદ્ધો : ( જતા જતા ) કુલાંગાર ! કોણ જાણે ક્યાંથી નાતમાં આવો પાક્યો !
સમય : ત્રીજા દિવસનો સવારનો પહોર. જાનીવાસાની ખડકીની બહાર રસ્તા ઉપર કોથળા અને ટ્ર્ંક અને થોડો પરચુરણ સામાન પડેલો છે. ત્યાં જયંતી૦ ઊભો ઊભો દાતણ કરતો હોય છે. વચમાં વચમાં પગથી સામાન થોડો આડો અવળો ખસેડે છે. દૂરથી પાર્વતી૦ને આવતો દેખી બૂમ મારે છે. પાર્વતી૦ ઇશારાથી ક્યાં છે એમ પૂછે છે.
જયંતી૦ : અહીં આવો તો બતાવું. હાલ્યા આવો ! બીઓ માં. વરરાજા ભલા છે. કોઈ ને મારે એવા નથી.
પાર્વતી૦ : ( પાસે જાય છે ) ક્યાં ગયા અત્યારમાં?