જયંતી૦: ક્યાં શું સ્ટેશન ભેગા, અત્યારમાં કન્યા સાથે હસ્તમેળાપ કરવાને બદલે ગાડીના હૅંડલનો હસ્તમેળાપ કરશે.
પાર્વતી૦ : સામાન કેમ મૂકતાં ગયાં ?
એટલામાં પરશો૦ મનહર૦ છોટા૦ અને નાતના બીજા માણસો આવે છે, ને સામાન જોવા માંડે છે. સામાનની ફરતા ફરે છે.
જયંતી૦ : ત્યારે શું કરે માથે ઉપાડીને જાય?
પાર્વતી૦ : અલ્યા તાળી ! ગામમાં કોઈ ગાડું ય ન મળ્યું ના ?
મનહર૦: શેનું મળે ? હું ગામ આખામાં કહી આવ્યો’તો. કોઈ એવાને તે ગાડું આપે ?
પરશો૦: અરે એનાથી તો ઢેઢ ય સારા, ઢેઢ ! જેઠિયો સવારે મારે ઘેર આવ્યો’તો, તે કહતો’તો, કે ઓલ્યા છોકરાના બાપ ગોવલા પાસે ગાડું ભાડે કરવા ગયો’તો, તે એણે સૉત ના પાડી !
મનહર૦: ( તાળી દેતાં ) અલ્યા રંગ રહી ગયો, રંગ !
કેટલાક ખડકીની અંદર પણ જઈ આવે છે તેમાંથી એક જણ કહે છે.
એક જણ : પણ સામાન આમ રસ્તામાં કેમ નાંખ્યો હશે?
છોટા૦ : મેરુભા મારું ઘરાગ, તે મેં સીતકાર્યો, તે કે (મેરુભાના ચાળા પાડતાં) ‘અમારે ઢોરની કડબ ભરવી સે, તે મારાજ ખાલી કરી આપો.’
મનહર૦ : ત્યારે સૂઈ ક્યાં રહ્યાં હશે ?
પાર્વતી૦ : અહીં કોથળામાં જ કૂતર્યાં પેઠે સૂઈ રહ્યાં હશે.
એક જુવાન : કે ઢેઢના વાસમાં આથડ્યાં હશે.
જયંતી૦ : અલ્યા તનમનશંકરને બોલાવો. કેમ ફરકતા ય નથી?
પરશો૦ : શેના ફરકે ? એ તો પીઠી ચોળાવતો હશે. પંડ્યાની છોકરી તાતે લગને પરણવાનો !