“આપણે પણ ક્યાં એ લોકોને વૉટ આપીએ છીએ ! પણ આપણે પણ એક દિવસ તો તેમના ભેગાં જ હતાં ને ! અત્યારે પણ તેમના હક્કો ડુબાવીને આપણે જમીન લીધી પણ તેઓ આપણને કાંઈ કહે છે?”
બન્ને વચ્ચે ટપાટપી લાંબી અને ગરમાગરમ ચાલી. છેવટે તેના પ્રત્યાઘાતરૂપે બન્ને સમાધાન ઉપર આવ્યાં. જેનીએ વચન આપ્યું કે હિંદુઓની જમીન લીધા બાબત હવે પછી કદી મહેણું ન મારવું. ઓપટીના પ્રંસગ માટે અત્યારથી જ એક સારી નર્સ બોલાવવાનું નક્કી થયું.
ધૂળનું તોફાન હવે શમ્યું હતું. સાંજે બન્ને સાથે ફરવા નીકળતાં તે મુજબ ફૉન્સેકાએ ફરવા નીકળવા કહ્યું. જેનીએ આજે ફરવા જવાની ના પાડી. અને ફૉન્સેકા સામી ભીંતેથી બંદૂક લઈ એકલો જ ફરવા ચાલ્યો. ફરવા જતાં તે બંદૂક સાથે લઈને જતો. પોતે શિકારે જાય છે એમ બહારથી બતાવતો, કોઈ કોઈ વાર ચકલાં પારેવાં સસલાં મારી પણ લાવતો, પણ ખરું તો તેને લોકોની બીક હતી અને તેથી લોકોને ડરાવવા તે બંદૂક સાથે રાખતો. બંદૂકનો પરવાનો તેણે અહીં આવ્યા પછી જ લીધો હતો.
ફૉન્સેકા ગયા પછી જેની ત્યાં જ બેસી રહી. આજની ટપાટપીથી તેને અહીં આવવાનો આખો પ્રસંગ યાદ આવ્યો. સરકાર પાસેથી ન્યાય ન મળતાં દેવુસણા તાલુકાના લોકોએ મહેસૂલ અટકાવ્યું. સરકારે બધા દોરદમામથી જપ્તીઓ કરી જોઈ પણ કાંઈ ન વળ્યું, પછી જમીન ખાલસા કરી, છતાં લોકો હઠ્યા કે ડર્યા નહિ. છેવટે જમીન હરરાજ કરી પણ કોઈએ લીધી નહિ. જમીનની હરરાજીની ખાસ સરતોની જાહેરખબરો બહાર પડી. ગવર્મેન્ટ ગૅઝેટમાંથી ફૉન્સેકાએ તે