લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

પ્રમીલા : નહિ ભાભી ! તમે તમારે બેઠક ભરો. હું વાર્તા કહેવાની છું. મારી પાસે તૈયાર છે—પેટીમાં લખેલી પડી છે.

ધીરુબહેન : ( જરા ધીમે સાદે ) સાચું જ કહો છો બહેન ?

પ્રમીલા : હા હા, વળી, જુઓ આ લઈ આવું.

પોતાના અભ્યાસખંડમાં જઈ લઈ આવે છે.

ધીરુબહેન : એમ તમે અમને નથી હરાવી શકવાના સમજ્યા !

મેં કહ્યું : પણ પહેલાં તો ‘કહો તમારા ભાઈ ને’ એમ જ બોલાયું ના!

ધીરુબહેન : અરે એ તો મેં એટલા માટે કહેલું કે તમારા ભાઈ પાસે નવું પીણું તૈયાર નથી:—મેહફિલમાં પીણાની જવાબદારી એમની છે.

પ્રમીલા : શાબાશ ભાભી, બરાબર જવાબ દીધો.

ધનુભાઈ : અરે મારી પાસે વળી કદી પીણાં ન હોય એવું હોય ? ઉનાળો છે તે પંચામૃત કરો.

મેં કહ્યું : પંચામૃત શું વળી ? દેવને નવરાવવા કરીએ છીએ તે? હું કંઈ દેવ નથી.

ધનુભાઈ : અરે તમે યાત્રા કરીને આવ્યા તો તમને પંચામૃતથી નવરાવવાને બદલે એ પાઈએ તો ખરા ! ખરેખર આપણા લોકો ગરમીમાં એ કેમ નહિ લેતા હોય, અને નક્કામાં અંગ્રેજી પીણાં શામાટે પીતા હશે તે હું સમજતો નથી. દહીં, મધ, સાકર, થોડું ઘી એ બધું ગરમીમાં કેટલું સરસ લાગે છે? મધ તો આપણે વાપરતા જ બંધ થઈ ગયા છીએ ! અંગ્રેજો વાપરે છે. આપણા પૂર્વજો પુષ્કળ વાપરતા. રામાયણમાં જ્યાં જ્યાં ખાવાનું વર્ણન આવે ત્યાં મધ તો હોય જ હોય !