કોદરે જ તેમને ઘેર ફરી જન્મ લીધો છે એમ માલતીએ લાગણીવશ થઈને કહ્યું હશે. કદાચ તેણે કે શાન્તિએ કોઈએ એ સાચું માન્યું પણ નહિ હોય. પણ આ જગત, જ્યાં માનવચૈતન્ય પણ જડ દેહને વળગી જડ થઈ જાય છે, જ્યાં સ્વજનો પણ એકબીજાને નથી સમજતાં, નથી સમજી શકતાં અને નથી સમજાવી શકતાં, ત્યાં આવા નવા સંબંધ સિવાય આ ત્રણ જીવાત્મા ભેગા થઈ શકે એમ નહોતું એટલું તો નક્કી !
[કોદરની વાર્તા પૂરી થતાં ધનુભાઈ બોલ્યા: “શાબાશ બહેન, વાર્તા બહુ સારી ઉઠાવી.” અને ‘ઉઠાવી’ શબ્દના શ્લેષ પર ભાર તરફ ધ્યાન ખેંચવા તેના પર ખાસ ભાર દીધો.
પ્રમીલા: પ્રમુખ સાહેબ, હજી મારી વાર્તા અધૂરી છે. વાર્તાનો વધારે રહસ્યમય ભાગ તો હજી હવે આવવાનો છે. માટે હજી ચુપકી જ જોઈએ.
ધીરુબહેન: અસ્તુ, વાર્તા પૂરી કરો ત્યારે તમે જ કહેજો કે પૂરી થઈ, ત્યાંસુધી કોઈ નહિ બોલે. પ્રમીલાએ કાગળ લઈ આગળ વાંચવા માંડ્યું.]
ધર્મપ્રસાદ વાંચી રહ્યા, અને કાગળ સંકેલીને પ્રેમકુંવર સામે જોઈ પૂછ્યું : કેમ બહેન, વાર્તા કેવી લાગી?
પ્રેમકુંવર : તમારી વાર્તાની પરીક્ષા મારે કરવાની નહોતી; ભાભીએ કરવાની હતી. કેમ ભાભી, તમને વાર્તા ગમી લાગતી નથી. કંઈ ઉલ્લાસમાં આવ્યાં દેખાતાં નથી.
ધર્મપ્રસાદ : વાર્તા તો ગમગીન કરે એવી છે એમ મેં પહેલેથી કહ્યું હતું, એટલે એ ગમગીન થઈ હોય તો મારી વાર્તા સફળ થઈ એમ હું ગણું.
ધીમતી : નહિ, હું ગમગીન નથી. પણ સાચું કહેજો, આમાં માલતીનું પાત્ર લખ્યું છે તે મારા ઉપરથી જ લીધું છે કે નહિ ! સાચ્ચું કહેજો.