પ્રેમકુંવર : અરે આ તે તમે શું બોલો છો ભાભી ? ‘હું તે એક વરને પરણી છું કે બેને ?’ એવું વાક્ય તમે બોલ્યાં હો એવું હું સ્વપ્ને યે માનું નહિ.
ધર્મપ્રસાદ : મારે તો માનવાનો પ્રશ્ન જ નથી. હું કહું છું કે એ કોઈ દિવસ એવું બોલી નથી.
ધીમતી : હું બોલી છું એમ નથી કહેતી. માલતીમાં તમે મારો જ સ્વભાવ કલ્પ્યો છે. કેમ ખરું કે નહિ ?
ધર્મપ્રસાદ : એટલે ઇબસેનની પત્ની જેમ તેનાં કેટલાંક પાત્રોમાં અમર થઈ છે, તેમ તારે પણ મારી કૃતિઓમાં અમર થવું છે એમ ને ?
ધીમતી : નહિ દીઠી હોય તમારી અમર કૃતિઓ ? મારું તો એમ કહેવું છે કે તમારામાં નવો સ્વભાવ કલ્પવા જેટલી સર્જકતા જ નથી. હું નજીક પડી, એટલે મારો સ્વભાવ લઈ ને લખો, બીજું શું કરો ?
પ્રેમકુવર : ભાભી, તમે ય જબરાં છો ! પોતાનો જ કક્કો ખરો કરાવવો કેમ ?
ધીમતી : નહિ, પૂછો. કહો, સાચ્ચું કહો.
ધર્મપ્રસાદ : વાત તો સાચી છે.
ધીમતી : કેમ બહેન, હું કેવી વરતી ગઈ !
ધર્મપ્રસાદ : એ તો તારી ગમગીની ટાળવા મેં હા પાડી!
આટલું વાંચી પ્રમીલાએ છેવટ એટલું પણ વાંચ્યું ‘રચનાર પ્રમીલા’ અને પછી કાગળો બંધ કરતાં બોલી: “લ્યો હવે તમે વાર્તા ઉપર ટીકા કરો.”
મેં કહ્યું : બહેન, આ ધનુભાઈની વાર્તા શી રીતે ચોરી એ જ વાત કરો ને.
પ્રમીલા : આપણા નિયમોમાં વાર્તાની ટીકા કરવાનું છે. તે કેમ મળી તેનો ઇતિહાસ કહેવાનું નથી.