તેટલો જ રાત્રે છાનો મારે ઘેર પિત્તળનો હાથી ઘડતો. અહીં હાથી ઘડાઈ રહ્યો તે જ રાતે મારે ઘેર હાથી તૈયાર કરી રાતોરાત તળાવમાં મૂકી આવ્યો હતો. અને સોનાનો હાથી તળાવમાં મૂકી અહીં પિત્તળનો આણ્યો છે. આપને તપાસ કરાવવી હોય તો કરાવો. તળાવમાં આખો સોનાનો હાથી પડ્યો છે.” રાજાએ તપાસ કરાવી સોનાનો હાથી મગાવ્યો ને સોનીના છોકરાને એ હાથી બક્ષિસ કર્યો.
પ્રમીલા : આ પણ ટીકા હોય તો, વાર્તા કઈ રીતે લીધી તે વિશે છે. એ વિષય તદ્દન અપ્રસ્તુત છે.
મેં કહ્યું : એ વિષય તદ્દન પ્રસ્તુત છે. આપણા નિયમો પ્રમાણે વાર્તા કહે તે પાકો સભ્ય બને છે. આ વાર્તા ચોરેલી છે એટલે તેનો પ્રમીલાબહેનને લાભ ન આપી શકાય.
પ્રમીલા : પણ હજી સુધી ક્યાં કોઈએ કહ્યું છે કે વાર્તા ચોરેલી છે?
મેં કહ્યું : કેમ ધનુભાઈએ શું કહ્યું ત્યારે ?
પ્રમીલા : તમારી ભૂલ થાય છે, ધનુભાઈ તે કદી સાહિત્ય-ચોરીની વાત કરે ? અત્યાર સુધી મેં જ્યારે જ્યારે એવી વાત કરી છે ત્યારે ત્યારે તેમણે મારી મશ્કરી કરી છે ! હવે એ એવી વાત કરે તો માનસપૃથક્કરણશાસ્ત્રની દૃષ્ટિએ એમ સિદ્ધ થાય કે સાહિત્યચોરી પકડવાની વૃત્તિ એમનામાં ગૂઢ રીતે હતી માટે તે હમેશાં મારી એવી વૃત્તિની નિન્દા કરતા !
મેં કહ્યું : હાં, ત્યારે એનું સાટું વાળવા આ ચોરી કરી છે, એમ કે ?
ધીરુબહેન : પ્રમીલાબહેને કહ્યું છે તે ખરું છે કે જ્યાં સુધી માલિકે ચોરી થયાનું જાહેર નથી કર્યું ત્યાં સુધી એ મુદ્દા ઉપર પણ ચર્ચા નહિ થઈ શકે.