લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
દ્વિરેફની વાતો

બેસે એવાં છે. સાંજ પડવા આવી છે અને હોટલમાં ભીડ સારી એવી છે. અનેક ટેબલોની ફરતી ચચ્ચાર ખુરશીઓ છે અને તે ઘણીખરી રોકાયેલી છે. એક ટેબલ પાસેની બે ખુરશીઓ ઉપર બે માણસો નિરાંતે ખાવા બેઠા છે, અને બાકીની બે ખુરશીઓ ખાલી છે. હોટલમાં નાની ઉંમરથી રહેલા છોકરાઓ, જેમના અવાજો અને મોં બન્ને નાનપણથી બૂમો પાડી પાડીને જરા ઠરડાઈ ગયાં છે, તેમની વાની મગાવવાની બૂમો, તેમને વાની માટે અપાતા હુકમો, અને વાની લાવવાના તાકીદના હુકમો વગેરે ગડબડાટની વચમાં આ બે જણની વાતચીત સંભળાય છે. આ બન્ને મારી વાર્તાનાં મુખ્ય પાત્રો નથી એટલે આ બન્ને કોણ છે તે કરતાં તે શી વાત કરે છે એ જ વધારે પ્રસ્તુત હોવાથી તેમનું વર્ણન લાંબુ કરતો નથી. છતાં એટલું તો પહેલેથી જ કહેવાની જરૂર છે કે બન્ને ખાદીધારી છે કારણ કે નહિતર તેમની વાતચીત સાંભળીને કદાચ કોઈ એમ માની બેસે કે તેઓ અસહકારના વિરોધીઓ હશે. અસહકાર માટે ખરી લાગણી ધરાવનારા પણ ઘણીવાર અસહકારના અને વિશેષ કરીને અસહકારીઓના સારા ટીકાકાર હોઈ શકે. તેમનો સ્વભાવ તો તેમની વાતચીતમાં જરા પણ અછતો રહે તેવો છે જ નહિ, અને હવે હું તે ઉપર જ આવું છું.

૧ લો માણસ : પાસેર ભજિયાં.

૨ જો માણસ : અલ્યા કેટલુંક ખાવું છે?

૧ લો : સવારનો ભૂખ્યો છું. તું બપોરે જમ્યા પછી પણ આટલું ખાય તો મારે આટલું ન જોઈએ ?

૨ જો : તે લોભ જરા ઓછો કરીએ. ખાવા જેટલો વખત કાઢીશ તો વેપારમાં બહુ ખોટ નહિ આવી જાય !

૧ લો : અરે ભાઈ ! અહીં વેપારની ક્યાં વાત કરે છે !