હું તો આજ સવારનો રાજપુરથી નીકળ્યો છું તે અત્યારે ખાધા ભેગો થાઉં છું. અહીં ઊતર્યો અને ઊતરીને તરત દવા લેવા નીકળ્યો. કોઈ દુકાનેથી ન જ મળી. છેવટે દુર્ગાદાસ ડૉક્ટરને વગ લગાડીને તેની પાસે થોડી હતી તે મેળવી.
૨ જો : કેમ નલિનીબહેનની તબિયત હજી સુધરી નથી ? રાજપુરમાં પણ ફાયદો ન થયો ? લોકો તો એ જગાનાં બહુ વખાણ કરે છે !
૧ લો : ફાયદો તો ભગવાન જાણે, પણ એટલું સારું થયું કે ક્ષય નથી એમ દાક્તર કહે છે.
૨ જો : ત્યારે શું છે?
૧ લો : ભાઈ એ વાત જ જવા દેને ! મહાત્માજી કહે છે દાક્તરો નકામા છે એ જ સાચું છે. હવે લોહી તપાસાવવાની, પિશાબ તપાસાવવાની…
આટલેથી વાતચીત હોટલના ઘોંઘાટમાં ડૂબી જાય છે. અને આપણે તેની બહુ જરૂર પણ નથી કારણકે હોટલમાં એક નવો માણસ દાખલ થાય છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. જગતમાં અકસ્માતો બધા ખરાબ જ બનતા નથી, કેટલાક તો બહુ સારા બને છે, જોકે માણસ અકસ્માતનો અર્થ ખરાબજ કરે છે. તેવા એક અકસ્માતથી આ નવા આગન્તુક હોટલમાં ઘણીખરી જગાઓ રોકાયેલી જોઈ પેલા એ ખાદીધારીઓના ટેબલની એક ખુરશી ઉપર બેસે છે. તેની ઉંમર ત્રીસેક વરસની છે. તેણે સાદો ખાદીનો પોશાક પહેરેલો છે અને તેની મુખમુદ્રા શાન્ત અને વિચારશીલ છે. હોટલનો માણસ દૂરથી ‘શું જોઈએ’ની બૂમ મારે છે તેને તે પાસે બોલાવી બે શાક, પૂરી, ચટણી, દૂધ વગેરે લાવવા કહે છે. પેલા બે માણસની વાતચીત જે અત્યારસુધી