બાબતમાં તમારા કરતાં નલિનીબહેનનો અભિપ્રાય વધારે સાચો લાગે છે. સ્ત્રી સ્ત્રીને વધારે ઓળખે.
૧ લો : હા, ભાઈ, હા, પણ આજે જ એ બધી વાત ફૂટીને બહાર આવી. પેલી ધમપછાડા કરતી પેલાને માંદો મૂકીને નાસી જતી હતી, અને પેલો પગે પડીને ન જવાને વીનવતો હતો, ઝેર ખાવાની, દરિયામાં પડીને મરી જવાની વાતો કરતો હતો. અને છેવટે પેલી પેલાને તરછોડી, જોરથી ભડાક દઈ બારણું વાસી, બહારથી આગળિયો દઈ, માથે પોટકું લઈ ચાલતી થઈ ગઈ. આ હું, તે પછી બે મિનિટે મોટરમાં બેસી સ્ટેશને આવ્યો. ત્યાં જરાક સારુ થઈ ને તે બાઈ ટ્રેન ચૂકી, તે મેં જાતે જોયું. વાંસે ગમે… તે થયું હોય ! એ ભાઈ પછી મૂવો હોય કે નહિ, મેં મારા મનમાં કહ્યું ‘ભાઈ તું મરી ચૂકેલો છે.’
૨ જો : નલિનીબહેને શું કહ્યું ?
૧ લો : એ તો અંદર હતી, અને મારે ઉતાવળ હતી. પણ એમાં મારે અભિપ્રાય પૂછવાનું રહ્યું જ નથી ને !
પેલો આગન્તુક જે આ વાતનો છેલ્લો ભાગ ઘણી જ ચિન્તાથી સાંભળતો હતો, તે ઘડિયાળમાં જોતો પૂરું ખાધા વિના ઊભો થયો અને ૧લા માણસ તરફ જોઈ તેણે પૂછ્યું.
આગન્તુક : તમે ૧૯મા બંગલાની વાત કરો છો ને?
અને તે જવાબની રાહ જોયા વિના ચાલવા માંડ્યો.
૧ લો : હા, કાં તમારે શું છે તેનું ? ( આગન્તુક જવા માંડ્યા પછી ) આ વળી તમારા બીજા અસહકારી જોઈ લ્યો ! સુન્દર સ્ત્રીની વાત સાંભળીને ખાવાનું પડતું મૂકીને પાધરાક ઊઠ્યા !
આ આગન્તુક કેમ ઊઠ્યો તે પેલા બે મશ્કરીએ ચડેલા માણસો તો ન સમજ્યા, પણ તમે તો સમજ્યા હશો. ન