લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
દ્વિરેફની વાતો

સમજ્યા હો તોપણ આ આગન્તુક તરફ વહેમ કે તિરસ્કાર ન કરશો કારણકે—પણ આગળ વાંચો.

જ શહેરનું એક નાનું સુઘડ ઘર છે. તેના મેડાના નાના અભ્યાસખંડમાં, અને નીચેથી ઉપર ત્યાં સુધી જવાના ભાગમાં વીજળીના દીવાનો પ્રકાશ છે. બાકી બધે અંધારું છે. એ અભ્યાસખંડમાં નાના ટેબલ પાસે ખુરશી ઉપર ગયા દૃશ્યનો આગન્તુક અત્યન્ત ચિન્તાતુર બેઠો છે. તેણે ટોપી પહેરણ વગેરે પાસેની ખીંટીએ ઉતાર્યું છે અને તેની બેસવાની ઢબ ઉપરથી જણાય છે કે આ તેનું પોતાનું જ ઘર છે. ઘર બધું શાન્ત છે, તે એકલો જ ઘરમાં છે. ચિન્તાતુર ન દેખાવા માટે તે કોઈવાર સામે ઉઘાડી પડેલી ચોપડી વાંચે છે, અને કોઈ કોઈ વાર કંઈ પણ કારણ સિવાય ખડિયામાં કલમ બોળ્યા કરે છે. થોડી વાર પછી નીચેથી માણસ ચડતું હોય તેનો અવાજ સંભળાય છે. પેલો પુરુષ વધારે એકધ્યાન અને ચિન્તાતુર બને છે. થોડી વારે તેના અભ્યાસખંડના બારણાની બહાર ધડ દઈને પોટકું પડતું મેલ્યાનો અવાજ સંભળાય છે અને તે પછી તરત જ જરા આડા રહેલા કમાડને જોરથી ધક્કો મારી એક પચીસેક વરસની સ્ત્રી ઘણી જ આવેશમાં એક વંટોળિયાની માફક દાખલ થાય છે. તે ખરેખર સુંદર અને પ્રભાવશીલ છે. આ બન્ને પતિપત્ની છે એમ તેમની વાતચીત અને રીતભાત ઉપરથી સમજાતાં વાર નહિ લાગે, જો કે બેની વચ્ચે શૃંગારચેષ્ટા થવાની નથી. મારી આખી વાર્તામાં શૃંગાર આવતો જ નથી ! બન્નેનાં નામો આગળ જણાશે, અને ત્યાં સુધી બન્નેને સ્ત્રી અને પુરુષ તરીકે ઓળખવાથી વાર્તામાં કશો વાંધો આવવાનો નથી. સંસ્કૃત નાટકમાં નિયમ છે કે પાત્રનું નામ સૂચવ્યા વિના પાત્રને