પછી ટેબલ પર કોણી મૂકી હાથથી મોઢું ઢાંકે છે. થોડી વારે હાથ લઈ લઈ પેલી ડાયરીનાં પાનાં વાંચવા માંડે છે.
જૂની વાર્તામાં સ્ત્રી પરપુરુષના મિલન માટે તૈયાર થાય છે, અને આ વાર્તામાં સ્ત્રી પરપુરુષની દુર્બુદ્ધિથી આટલી બધી ઉશ્કેરાઈ જાય છે તે બન્નેમાં, સ્ત્રીની પતિ તરફ એકનિષ્ઠા જ કારણ છે, એટલું તો વગરકહ્યે સમજાય એવું છે.
અને પતિ તરફની નિષ્ઠાને લીધે જ પતિના સ્પર્શથી વધારે ઉશ્કેરાય છે તે પણ કામની વામતા જ ! પ્રેમની અવળપ!
થોડીવારે કોઈ માણસ ઉપર ચડવાનો અવાજ આવે છે. આ પુરુષ પેલાં ડાયરીનાં પાનાં સાચવીને ટેબલ ઉપર મૂકે છે. અને કોણ આવે છે તે એક નજરે જોઈ રહે છે. બારણા બહારથી અવાજ આવે છે.
અવાજ : હરિભાઈ છે ?
પુરુષનું નામ હરિભાઈ હતું. ત્યારે હવે તે જ નામ વાપરીશું.
હરિભાઈ : કોણ મધુ ? આવ ભાઈ.
હરિભાઈ મધુને સામે લેવા જાય છે. બારણામાં પેસતાં જ મધુ રડી દે છે. હરિભાઈ તેને બાથમાં લઈ અંદર લઈ જઈ કોચ પર બેસાડી તેની સાથે બેસે છે. મધુ સોળસત્તર વરસનો સુંદર દેખાવનો કિશોર છે.
મધુનો અવાજ સાંભળી, થોડીવાર પહેલાં ઉપર ગયેલી સ્ત્રી ધીમે પગલે દાદર ઊતરી અભ્યાસખંડમાં થતી વાત સાંભળવા બહાર સંતાઈને ઊભી રહે છે. હવે તેનો ક્રોધ શમી ગયો દેખાય છે.
હરિભાઈ રાજપુરની હકીકત ગુપ્ત રાખવા માટે બીજી જ વાત ઉપાડે છે.
હરિભાઈ : કેમ ! તારાં ભાભીની તબિયત સારી છે ને?
મધુ : હા.