હરિભાઈ : અને છોકરો સારો છે ને ? આજે કેટલા વાસા થયા ?
મધુ : કાલે દસ દહાડા થયા.
હરિભાઈ : ત્યારે ગભરાય છે શા સારુ ? દીપુભાઈના કાંઈ સમાચાર છે ?
મધુ વધારે રડે છે અને ‘હા’ કહી હરિભાઈના હાથમાં તાર મૂકે છે. તાર વાંચીને
હરિભાઈ : પણ હવે આમાં કાંઈ ફિકર કરવા જેવું નથી. દાક્તર લખે છે કે તેમને સારું થઈ ગયું છે. ભૂલથી ચોપડવાની દવા પીવાઈ ગઈ હશે ને ઝેર ચડ્યું હશે. પણ હવે તદ્દન સારું છે. અને દાક્તર નજીક રહે છે. એટલે કશી ફિકર નથી, હું કાલે સવારની ત્રણ વાગ્યાની ગાડીમાં જઈશ અને વેળાસર પહોંચી જઈશ. તારી પરીક્ષા ક્યારે છે ?
મધુ : પરમ દહાડે.
હરિભાઈ : તે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. કાલ જઈ ને તરત તને ખુશખબરનો તાર કરીશ. તું તારે પરીક્ષાની જ તૈયારી કરજે. અને. . .તારાં ભાભીને તો આ તારના ખબર કહ્યા નથી ને ?
મધુ : ના. પણ તેમને ચિંતા ઘણી થાય છે.
હરિભાઈ : તેમને ચિંતા કરવા દઈશ નહિ. કહેજે કે ફંડનાં નાણાંની વ્યવસ્થા કરવા મને બોલાવેલો છે. હોં કે ! દાક્તરે તેમના મનને જરા પણ આઘાત ન પહોંચવા દેવા કહ્યું છે તે યાદ છે ને !
મધુ : હા.
હરિભાઈ : અને ચિંતા ન કરતો હોં કે ! લે જા !
મધુ જરા જતાં પાછો અચકાઈને