બનાવટી વાત ઊભી કરો છો. શાન્તાબહેન અહીં હોય તો એમને કેટલું માઠું લાગે!
ત્યાં ઓચિંતી પછવાડેના પડદામાંથી શાન્તા આવે છે. તેને જોઈને બન્ને આભા બની જાય છે. શાન્તા ઉશ્કેરાયેલી પણ બહારથી શાન્ત દેખાય છે.
શાન્તા : દીપુભાઈ ! આ વાર્તા બનાવટી નથી. અક્ષરેઅક્ષર સાચી છે. વસુમતીબહેનને—અરે મારાથી નામ તો બોલાઈ ગયું—એમણે તોછડાઈથી ના પાડી ત્યારે મેં એમને ઠપકો આપ્યો. ત્યારે એમણે બધી વાત મને કહી. પણ મારો એક પ્રશ્ન છે. તમે બન્ને વાતો કરો છો તેમાં જાણે તમે તમારા બેની જ વાતો કરો છો ! હું પૂછું છું, તમે ગુનો કર્યો હોય તો કોનો કર્યો છે ? એમનો કે મારો ?
દીપકને વધારે શરમ આવે છે. હરિભાઈ હવે શું થશે તે નહિ સમજાતાં વધારે ચિંતાતુર બને છે.
દીપક : બન્નેનો.
શાન્તા : પ્રથમ દરજ્જે કોનો?
દીપક : અલબત તમારો.
શાન્તા : ત્યારે સજા કોણ ફરમાવે ?
દીપક : તમે. અને ત્યારે જ મને ખરું સાન્ત્વન વળશે.
શાન્તા : ત્યારે મારી સજા એ છે કે તમારે આ વાત ગિરિજાબહેનને કે બીજા કોઈને કરવી નહિ ને તરત સાજાં થવું.
દીપક : તમે બન્ને તો મને આભાર નીચે દાબીને તદ્દન પામર કરી નાંખવા માગો છો કે શું ?
શાન્તા : ( જરા ક્રોધથી ) હું કહું છું કે તમે બન્ને, પુરુષો, માત્ર તમારો જ વિચાર કરશો કે બીજા કોઈનો કરશો? તમે પોતે એમની સામેના ગુના માટે આપઘાત કરવા માગો છો ! અને એ એમની લાગણીની ખાતર તેમ