તેનું ખોટું જ લાગે. કોઈ માણસ ગમે તેટલું ખરું કહે તો ય તેની મશ્કરી જ લાગે ! મારે તારી સાથે એવી લેણાદેણી છે.
શાન્તા : પણ કહો તો ખરા !
હરિભાઈ : એ કહે “લ્યો આ એક બીજા અસહકારી કોઈ સુંદર ગાનારી સુંદર બાઈની વાત સાંભળીને ખાવાનું પડતું મેલીને આ નાઠા !” અને બોલો એ વાત કાંઈ ખોટી હતી ?
શાન્તા : હવે આવું બોલતાં શરમાતા નથી ! પણ ત્યારે તો તમે સાંઝના ભૂખ્યા હશો. લ્યો હવે બરાબર ખાઓ. વાતો ન કરો. આજ સુધી દીપુભાઈ વિના ભાવતું નહિ હોય તે આજે ભેગા બેસીને બરાબર બેઉ જમો.
હરિભાઈ : મને પણ હવે એક નવું સત્ય સમજાય છે.
શાન્તા : શું વળી ?
હરિભાઈ : એ સત્ય એ છે કે શાન્તા કદાચ કાલની ભૂખી હશે.
દીપક : અર્ ર્ ર્ ર્. એટલું મને પણ સૂઝ્યું નહિ. બહેન, તમે પણ અમારી સાથે જ ખાવા માંડો. પૂરતું આણ્યું છે કે નહિ !
શાન્તા : હું મને તો ઓછી જ ભૂલી જવાની હતી !
દીપક : ત્યારે બેસો.
શાન્તા : આ બેઠાં. અમારે કે દાડે ના છે? ચાલો, પણ હું ખાઉં એટલો વખત તમારે પણ સાથે ખાવું પડશે.
દીપક : ભલે !
શાન્તા : અને તમે દીપકભાઈ સમજ્યા ?—એમની ફિલસૂફી શેના પર આધાર રાખે છે તે ! જૂના સમયમાં માણસો તપ અને ઉપવાસ કરીને સત્ય શોધતા. એમને જ્યારે પેટમાં પડે છે ત્યારે જ સત્યો સૂઝે છે.
દીપક અને હરિભાઈ બન્ને હસે છે.