મેં કહ્યું : એક જૂનો દૂહો છે:
પ્રમીલા : એને એ કહેવો હોય તો અમને આવડે છે. તમે આ વીસમી વખત બોલતા હશો.
મેં કહ્યું : તમે ગયે વખતે વીસ કહેલ. હવે તે એકવીસમી વાર થાય. પણ મારે એ જ કહેવો છે:
રોઝ ન ગાય ન ઊંટ, જરખ વાધ નહિ કૂતરું;
ચીભડ કવળ ન ઘૂંટ, પાવઈ નર નહિ પ્રેમદા.
જેમ એમાં વસ્તુઓ આ પણ નથી અને તે પણ નથી, તેમ આ વાર્તા નાટક પણ નથી અને વાર્તા પણ નથી.
ધનુભાઈ : આ વાર્તા નાટક પણ છે અને વાર્તા પણ છે.
આ બેની વચ્ચે વાતો ચાલે છે તે દરમિયાન પ્રમીલા ને ધીરુબહેન કંઈક ખાનગી સંતલસ કરી લે છે.
મેં કહ્યું : જુઓ નાટક તો ભજવવાને માટે જ હોય !
ધનુભાઈ : આગળ બોલો.
મેં કહ્યું : તો જે ભાગ ભજવવાને માટે બિલકુલ જરૂરના નથી, એ આ નાટકમાં વધારાના છે.
ધનુભાઈ : દાખલા તરીકે ?
મેં કહ્યું : આ વાર્તાની જૂની વાર્તા સાથે સ્થળે સ્થળે તમે સરખામણી કરતા હતા તે નાટકમાં વિક્ષેપરૂપ છે.
ધનુભાઈ : તમે એક વાર જેમ્સ બેરીનાં નાટકો વાંચતાં કહેલું તે યાદ છે? તમે કહેલું કે નાટક ભજવાય ત્યારે એક કલા છે અને વંચાય ત્યારે બીજી કલા છે. વંચાતી વખતે તેમાં પાત્રોની સ્થિતિ, તેમનું માનસ અને તેમની ઉક્તિ વિશે કટાક્ષો અને ટીકા કરી શકાય.
મેં કહ્યું : અસ્તુ, ધારો કે કરાય. પણ અહીં તો તમે નાટકમાં આવતી ઉક્તિ વિશે બોલવાને બદલે તમારી વાર્તાની આગલી વાર્તા સાથે સરખામણી કરતા ગયા છો.