આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છે — પાંદડાંને ઊડતાં વાર લાગે તેટલી જ વાર પુરુષનું નસીબ ખૂલતાં લાગે છે. એથી પણ વધારે સાચું એ છે કે માણસના સૌજન્ય આડું માત્ર પાંદડું હોય છે. આપણે આપણી અશ્રધ્ધામાં તે ઉડાડવા પ્રયત્ન કરતા નથી.
કહેવાની જરૂર નથી કે આ નવી વસવાટ કરવાના પહેલા અખતરામાં સરકાર નિષ્ફળ જવાથી તેણે લોકો સાથે સમાધાન કરી દીધું છે. સત્યાગ્રહમાં કામ કરવા આવેલામાંથી ત્યાંના અસલ વતનીઓની સ્થિતિ સુધારવા, તેમને કેળવવા, એક મંડળ સ્થપાયું છે અને ફૉન્સેકા અને જેની તેમાં જોડાઈ ગયાં છે. તેમણે પોતાની જમીન ગામના લોકોને આપી તેનું એક ટ્રસ્ટ કર્યું છે, જેમાંથી ‘અબદુલ પ્રસૂતિગૃહ’ ચાલે છે. એક પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટર અબદુલ સાથે કામ કરે છે, ત્યાં પ્રસૂતિનું શિક્ષણ અપાય છે, અને આખા તાલુકાની સ્ત્રીઓ તેનો લાભ લે છે.