લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
દ્વિરેફની વાતો

પુછાવ્યું હતું. વિરાધસેને બહુ જ વિનયથી ખાસ વૈતાલ મંત્રી પાસે સામનો[] જવાબ અપાવ્યો હતો કે મગધ અને ભોજને પૂર્વનો સંબંધ છે. દંડકાધિપતિ એ સંબંધની ખાતર માત્ર નામનો કર લેશે. તે તો માત્ર એટલું જ ઇચ્છે છે કે મગધનાં રાજ્યરત્નોમાં કૌસ્તુભમણિરૂપ આજીવક[] ધુન્ધુમાર પોતાનો શાલામિત્ર હતો; બન્ને ઘણાં વર્ષો તક્ષશિલામાં ભેગા રહ્યા હતા અને ત્યાર પછી કદી મળ્યા નથી તો કૃપા કરી તેમને રાજ્યની અનુકૂળતાએ એકાદ માસ મોકલતા રહો તો અમારો અરણ્યવાસ કંઇક ઓછો કષ્ટપ્રદ થાય વગેરે વગેરે. મગધ અને દંડકા એક સીમાડાનાં નહોતાં. તેમને વૈરભાવ હોવાનું કશું કારણ નહોતું. ખરી રીતે દંડકાનાં હવાપાણી એવાં ગણાતાં અને તેમાં આટવિકો, અનાર્યો અને કિરાતોની વસ્તી એવી જંગલી ગણાતી કે કોઇને આ દેશ ઉપર આંખ રાખવાનું કારણ નહોતું. જતાં આવતાં અને રાજ્યનાં કામકાજમાં સગવડ મળે માટે સૌ તેમની સાથે સારાસારી રાખતાં, પણ કોઈ ભોજોની ઉચ્ચ ક્ષત્રિયકુલોમાં ગણના કરતું નહિ. આર્ય સંસ્કૃતિનાં કેન્દ્રોથી દૂર અનાર્યોમાં રહેવાથી તેમને માટે રાજ્યોમાં હીણું બોલાતું. ભોજો કોઈ ક્ષત્રિયકુલોના સ્વયંવરમાં જવાની હામ ભીડી શકતા નહિ. તેમને, ખોટા આર્ય ગણાઈ ગયેલા હલકી કોમના ક્ષત્રિયો અને આટવિક રાજાઓની કન્યાઓ લાવવી પડતી. શિષ્ટાચાર શીખવા અને રાજ્યની પ્રતિષ્ઠા વધારવાને જ વિરાધસેનને તક્ષશિલામાં અભ્યાસ કરવા મોકલેલો હતો. આ સઘળી પરિસ્થિતિ અને હકીકતની ભોંય


  1. ૧ સામ દાન ભેદ દંડ એ ચાર ઉપાયો પૈકી સામ એટલે સમજાવવું, સારું લગાડવું.
  2. ૨ જગતમાં જે કાંઈ છે તે નિયત છે એમ માનનાર એક નિયતિવાદી શ્રમણસંપ્રદાય.