લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
છેલ્લો દાંડક્ય ભોજ

ઉપર દાસદાસીઓના રાજનૈતિક તર્કો થતા હતા. મહારાજનું પગરણ મગધની સાથે વૈવાહિક સંબંધ બાંધવાને હોય એ તો કોઈને શક્ય લાગતું નહોતું. વૈદ્યને પુત્રપ્રાપ્તિ માટે બોલાવ્યો હોય પણ જનાનામાંથી બાતમી લેવા આવેલી દાસીએ એ અશક્ય છે એમ કહ્યું. મંત્રશાલાનું કામ અને તર્ક બન્ને ખૂટતાં દાસદાસીઓ પોતપાતાને સ્થલે ગયાં.

આજીવક ધુન્ધુમાર પોતાને ઉતારે જમી આરામ લઈ, જરા નિદ્રા કરી રાત્રે મંત્રશાલામાં રાજાને મળવા આવ્યો. શાલામાં આ બે સિવાય કોઈ નહોતું. મહારાજને પંખો ઢાળનાર પણ નહોતાં અને મહારાજની મહિષીના માનીતા પોપટને પણ દૂર કર્યો હતો. શાલાથી પચાસ પચાસ દંડ દૂર પહેરેગીરો ચોકી કરતા હતા.

મહારાજે ઘણા ભાવપૂર્વક આદરથી ધુન્ધુમારને આસન દેખાડ્યું તે ઉપર આજીવક બેઠો. મહારાજે જૂની મૈત્રીના દિવસો તાજા કર્યા અને મગધમાં તેનું માન હતું તેથી પોતાને સંતોષ છે એમ કહીને ટોળ કરી કે એવા મોટા રાજ્યની પ્રસાદી છોડી જૂનો મિત્રસંબંધ તેને શેનો સાંભરે ? ધુન્ધુમારે પોતાનું સર્વ કુશળ કહ્યું અને ખુલાસો કર્યો કે ન નીકળવાનું કારણ બીજું કાંઈ જ નહિ પણ અમુક યન્ત્રોમાં અમુક દવાઓ સિદ્ધ કરવા મૂકેલી તેને જાતે અખંડ બાર વરસ તપાસવાની જરૂર હતી તે મુજબ તપાસતો હોવાથી આવી શકેલો નહિ. છેવટે તેણે પૂછ્યું: “પણ મહારાજ, આપનું શરીર આવું કૃશ અને ચિત્ત અસ્વસ્થ કેમ જણાય છે ?”

“રાજાઓ કદી ચિંતાથી મુક્ત હોતા નથી.”

“પણ આપને ચિંતા હોવાનું કશું કારણ જણાતું નથી.”

“તમે છેક જ તક્ષશિલાની વિશ્રંભવાતો ભૂલી ગયા લાગો છો.”