“રાજ્ય તો આપને મળ્યું છે.”
“પણ તમારા રસાયનનો ઉપયેાગ કર્યા વિના નહિ. તમારા રસાયનનું ટીપું મહારાજ સિદ્ધસેનના પલંગ પર નાંખી તેના પર હરિતાલ ઘસી ત્યારે રાજ્ય મળ્યું.”
“મહારાજ, આપના રાજ્યમાં પેસતાં હું પ્રજામાં હળતો મળતો રહ્યો છું. કોઈને એ વિશે વહેમ નથી. માર્ગમાં ઉત્તરના સામંત સાથે મેળાપ થયો તેને પણ આવો કશો વહેમ નથી.”
“મારા પર વહેમ આવેલો પણ હરિતાલ વિનાની દવા નિર્દોષ જણાઈ એટલે કોઈએ વહેમ આણ્યો નહિ. ઉત્તરના સામંતે કાંઇ કહ્યું?”
“જી હા, મહારાજને પુત્ર ન થાય એવું કરું તો દર વર્ષ સહસ્ર નિષ્ક આપવાનું કહ્યું છે.”
“તમે તેનું વર્ષાસન લઈ લો. મેં તમને પુત્ર માટે નહિ પણ સંતતિ ન થાય તે માટે બોલાવ્યા છે. એ જ મારી ચિંતાનું કારણ છે.”
“પણ મહારાજ, રાજ્યને વારસ તો જોઈએ ને?”
“મિત્ર ! ઇતિહાસના અનભિજ્ઞની માફ્ક શું બોલે છે ? ભોજની છેલ્લી દસ પેઢીમાં સાત રાજાઓ પિતાને મારીને ગાદીએ આવ્યા છે. બીજા દેશો જો. તેમાં પણ હમણાં તો મગધ, મદ્ર, કોસલ, અવન્તી સર્વમાં પિતાને મારીને જ કુમાર ગાદીએ આવે છે. જાણે એ જ સ્વાભાવિક ક્રમ થયો છે. જેમ એક સીમાડાના બે રાજાઓ સ્વાભાવિક શત્રુઓ છે. તેમ પિતાપુત્ર નિત્યશત્રુ છે. હું વ્યાકરણકાર હોઉં તો પિતાપુત્રનો
અહિ–નકુલ[૧] જેવો સમાસ કરું. ખરું જ કહ્યું છે કે કુમારો કરચલા જેવો છે : કરચલા જનનીને મારે છે, કુમારો જનકને.
- ↑ ૧ સરપ અને નોળિયો. સંસ્કૃતમાં નિત્ય શત્રુઓનો એક સમાસ થઈ શકે છે. અહિ–નકુલ તેનો દાખલો છે.