“ત્યારે મહારાજ, આપની શી ઈચ્છા છે?”
“જો, તેં કહ્યા પ્રમાણે ઋતુકાલના પાછલા સોળ દિવસ વર્જીને જ હું સમાગમ કરતો, છતાં વજિજકા દેવીને ગર્ભ રહ્યો. સારું થયું પુત્રી હતી અને તે પણ મરી ગઈ.”
“મહારાજ, કાંઈ ગણિતમાં તો ભૂલ નહિ થઈ હોય ? આ વિષયમાં મેં પ્રયોગ કરી જોયો નથી, પણ બાભ્રવ્યનું વચન છે, ખોટું હોય નહિ. આપ જાણતા હશો બાભ્રવ્યની બે જ પ્રતો છે. એક અવન્તીના વૈદ્ય પાસે અને એક મારી પાસે. કલિંગના વૈદ્યે નકલ ઉતારવા મારી પાસે માગણી કરી હતી પણ મેં આપી નહિ.”
વિરાધસેન ઊભો થયો. પાસેની મજૂસમાંથી એક રંગેલો લાકડાનો દાબડો લઈ આવ્યો. તેમાંથી તેણે થોડા પત્રો કાઢી બતાવ્યા. તેમાં ખાનાં પાડી તિથિઓ લખી હતી તે બતાવી કહ્યું : “મારી ખાસ પરિચારિકાઓ પાસેથી આ તિથિઓ મેળવી છે.” ધુન્ધુમારે પોતાની પાસેથી પત્રો કાઢી ચન્દ્રની ગતિ સાથે આ તિથિઓ મેળવી જોઈ, અને કહ્યું: “મને આ ગણિત ખરું લાગે છે. મહારાજને બાધ ન હોય તો મારી નોંધમાં આ ટપકાવી લઉં, નામ ઠામ વિના, અને મારી કૂટસંજ્ઞામાં. મારી ખાતર નહિ, માત્ર શાસ્ત્રવિકાસની ખાતર.”
“શાસ્ત્રવિકાસની ખાતર જે કરે તે કશાને માટે બાધ નથી.”
“ત્યારે મહારાજ, હાલ શો ઉપાય કરો છો ?”
“પુત્રીના જન્મ પછી અમુક માસ તો એ દેવીનો સમાગમ પ્રત્યવાયરહિત ગણ્યો. પુત્રી મરી ગઈ એટલે બંધ કર્યો.”
“યોગ્ય કર્યું; અને ત્યારથી ?”
“ત્યારથી રિખવદેવના ઋજુજડોની[૧] પેઠે બ્રહ્મચારી છું.”
- ↑ ૧ આદિ જૈનતીર્થંકર ઋષભદેવના સાધુઓને ઋજુજડ કહેતા.