“મહારાજ, એ જ આપની અસ્વસ્થતાનું કારણ છે. આપ
અંતઃપુર બહાર જુદી સ્ત્રીઓને વસાવી ન શકો ? તેના પુત્રો
કાંઇ ભયનું કારણ નથી !”
“મિત્ર, તું આ રાજ્યને શું ગણે છે? આ તે કોઈ ઉત્તરાપથ[૧] દીઠો? અહીં તો ગણિકાપુત્ર પણ વારસ થઈ શકે છે. અમારે ભોજોને બમણી ચિંતા છે. બીજા રાજાઓ જેવા ગણાવા તેમની રીત રાખવી પડે છે તે ઉપરાંત અહીંની રીતોનો ગેરલાભ પણ અમારે ભોગવવો પડે છે.”
“ત્યારે મહારાજની શી ઇચ્છા છે ?”
“બધી હકીકત મેં કહી. ઉપાય તો તું જાણે. એવું કાંઈ નથી જેથી સ્ત્રીઓ વન્ધ્ય થઈ જાય ?”
“બે ઉપાયો છે : એકથી સ્ત્રી નિત્યવન્ધ્ય બને છે; બીજાથી નિત્યવન્ધ્ય બનતી નથી પણ દર સમાગમ સમયે તે દવા આપવી પડે છે.”
“પહેલો ઉપાય જ સારો.”
“જી ના, એ કુચુમારનો પ્રયોગ છે. મને બધામાં એના પ્રયોગો અકસીર પણ કંઈ ને કંઈ દોષવાળા લાગ્યા છે. એના ઔષધથી સ્ત્રી વન્ધ્યા થાય છે, પણ પછી તે બીભત્સરૂપ થતી જાય છે, પુરુષસ્પર્શ વાંછતી નથી. તેના મોં પર દાઢી ને મૂછની જગાએ વાળ ઊગે છે, અને એનો સ્પર્શ પણ પુરુષને પછી જુગુપ્સાકારક થાય છે, એવી મારા પિતાની નોંધ છે. હું તેની ભલામણ કરી શકતો નથી. બીજું ઔષધ પણ એટલું જ અક્સીર છે. પણ બરાબર વાપરવું જોઇએ.”
“અને પહેલા પ્રયોગની અસર કેટલા દિવસે જાય ?”
- ↑ ૧ વિન્ધ્ય પર્વતની ઉત્તરનો હિંદ જે પ્રાચીન સમયમાં ખરો આર્યાવર્ત ગણાતો હતો.