“બરોબર ચાર માન્દ્રમાસ પછી, અથવા ખરું કહું તો
ચાર ઋતુઓ પછી.”
“મને બન્ને આપો. એક ઉપર જ પહેલો પ્રયોગ કરીશ. તેની એવી અસર થશે તો બીજી ઉપર નહિ કરું. બીજાઓને પેલું સૌમ્ય ઔષધ આપીશ.”
“હું ફરી કહું છું મહારાજ, કુચુમારનું ઔષધ ન માગો. મહારાજ પોતે જ કદાચ આગળ ઉપર પુત્રની ઇચ્છા કરશે અને ત્યારે મારા સર્વ ઇલાજો નિષ્ફળ ગયા હશે. કુચુમારનું વારણ કરનાર આ જગતમાં સાક્ષાત્ બ્રહ્મા પણ નથી. મહારાજ, એ ન માગો.”
“નહિ, એ જ આપ. અને તું જોઈશ કે હું કોઈને નક્કામું હેરાન કરીશ નહિ.”
“મહારાજની ઇચ્છા. અને એક બીજી વાત. કુચુમારનો પ્રયેાગ મેં કરી જોયો નથી. પણ મારો ઉપાય મેં ઘણી જગાએ કરેલો છે. તે અક્સીર છે. પછી પ્રયોગમાં કાંઈ પ્રમાદ થાય અને અન્યથા પરિણામ આવે તો મને દોષ ન દેશો.”
“હું જાતે જ દવા આપીશ.”
“તો ભલે.”
“અને જરા રહો.” વિરાધસેને એ જ મજૂસમાંથી એક હીરો કાઢ્યો. “રાજ્યની રીતે તો તારો આદરસત્કાર થશે. પણ કોઈને આપણા રહસ્ય વિશે શંકા ન થાય માટે પસાય બહુ સાધારણ આપવાનું મેં મંત્રીઓને કહ્યું છે. માટે આપણી મૈત્રી અને તારા શાસ્ત્રજ્ઞાનની ખાતર, તેના જેવો જ નિર્મળ અને દૃઢ આ હીરો સ્વીકાર. જો પેલી શુષ્કનીરા નદી રહી. એ સૂકી છે, તેમાં માત્ર બે માસ જ પાણી રહે છે પણ તે હીરાની ખાણ છે. તેમાંથી આ નીકળ્યો છે. મહાન રાજકુલો