થાય છે. અને બીજી રાણીઓ પેલી બીજી ગાળીઓનો પણ એટલો જ પ્રતિષેધ કરતી હતી. એમાં શું પ્રતિકૂળ હતું જે ?”
“પ્રતિકૂળ તો ખરું જ ના મહારાજ, એમની દૃષ્ટિએ. આપની માફક એ નિષ્ફળ સમાગમ ઇચ્છતી નથી જ. પણ પરિણામના જરા પણ આભાસ વિના સ્ત્રી પોતાને પ્રતિકૂળ વસ્તુ કે માણસને તરત ઓળખી જાય છે એ મારો અનુભવ છે. દત્તક પણ એ જ અનુભવ નોંધે છે. પછી શું પરિણામ આવ્યું. મહારાજ ?”
“તમારી આગાહી સાચી ઠરી. ચાર માસ પછી તેણે કુરૂપતાનાં ચિહ્નો પ્રગટ કરવા માંડ્યાં.”
“મેં તો આપને કહ્યું હતું.”
“અત્યારે મને એનો સ્પર્શ નથી ગમતો, મારો એને નથી ગમતો. એટલું જ નહિ એનું આખું માનસ જાણે બદલાઈ ગયું છે.”
“મને આપ કહી શકશો?—અલબત શાસ્ત્રની પૂર્ણતાને અર્થે.”
“હં. મને લાગે છે કે એ ગાંડી થઈ જશે. દિવસ આખો શૂન્ય થઈ બેસી રહે છે. કેશસાધન પણ કરતી નથી. તેની ઊંઘ ઊડી ગઈ છે. અન્ન અને નિદ્રામાં અનિયમિત રહે છે. સામાન્ય રીતે અન્નનો તિરસ્કાર કરે છે અને ગંધાતું અને સડી ગયેલું અન્ન તેને ભાવે છે. બધાને મારવા જાય છે,—નિષ્કારણ. મને લાગે છે કે સ્ત્રીમાં પોતાના સ્વભાવ જેવું કશું હોતું જ નથી. બહારની પરિસ્થિતિને તે વધારે અધીન થાય છે. પુરુષને આવું કંઈ થાય તો તે આવે ન બદલાઈ જાય. અંતઃપુરમાં વ્યંડળો હોય જ છે તો, પણ તે આવા વિકૃતમાનસ નથી હોતા. આપણે બે જેવા અત્યારે શાસ્ત્રદૃષ્ટિથી આખો વિષય વિચારી શકીએ છીએ તેમ સ્ત્રીઓ કરી જ નથી શકતી.”
“પેલી બીજી ગોળીઓ તો સંતોષકારક નીવડી ?”