લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
દ્વિરેફની વાતો


“તે પણ લેતાં તો પ્રથમ આનાકાની ખરી જ. પછી મેં સમજાવ્યું કે આ તો પુત્રપ્રાપ્તિ માટેની ગોળી છે. ત્યારે બધી રાણીઓએ લીધી. છતાં લેતી વખતે તેમની નજરમાં શંકા હું જોઈ શકતો હતો.”

“ત્યારે હજી આપ અસ્વસ્થ કેમ છો ?”

“હજી મારી કથા અધૂરી છે. બેત્રણ માસે બધી રાણીઓ પૂછવા લાગી કે મને કેમ કાંઈ ગર્ભનું ચિહ્ન દેખાતું નથી ? મેં કહ્યું જેમ મોડો ગર્ભ રહેશે તેમ વધારે પ્રતાપી પુત્ર જન્મશે.”

“રાજ્યકર્તાને મૃષાવાદનો દોષ નથી.”

“અને આજીવકને છે? હું તો લોકાયત[] છું. અને બુદ્ધિપૂર્વક સુખ ભાગવવું એને જ પુરુષાર્થ માનું છું.”

“પછી શું થયું ?”

“મારી હકીકત તેમણે શંકાથી સાંભળી. ત્યાં બીજી જ આપત્તિ આવી. અશ્લેષાની કુરૂપતાનાં ચિહ્નો દેખાવા માંડ્યાં એટલે બધી રાણીઓએ ગોળી લેવાની ના જ પાડી. તેમને હું જુદી ગાળીઓ આપતો હતો એમ સમજાવ્યું, પણ વૃથા. બધી એક જ રીતે વિરોધ કરે છે. ખરેખર સ્ત્રીઓને વિશિષ્ટ સ્વભાવ જેવું કશું નથી. એકે ગેાળી લઈ ને ચાલાકીથી ફેંકી દીધી તે મેં જોયું, ત્યારથી મારે સ્ત્રીસંગ છોડવા પડ્યા. અસંગ એ મારી પ્રકૃતિને પ્રતિકૂળ છે. હું તેથી શરીર અને મન બન્નેમાં અસ્વસ્થ રહું છું. આ જ મારી અસ્વસ્થતાનું કારણ છે.”

“ત્યારે હવે આનો શો ઉપાય કરવો?”

“કાંઈ એવું ન થઈ શકે કે માત્ર હાથના કે એવા ગમે તે અવયવના સ્પર્શથી સંપૂર્ણ ઉપભોગસુખ લઈ શકાય ?”


  1. ૧. ચાર્વાકમતનો.