“હાલ શું કરો છો ?”
“રાજ્યની વારાંગનાઓને સેવાર્થે વારાફરતી આવવાનો મેં હુકમ કર્યો છે. તે આવે છે, પણ તેઓ તો રાણીઓ કરતાં પણ વધારે દુરાગ્રહી જણાય છે. મારી પહેલાંના રાજાઓએ વારંગનાઓ ઉપર બલાત્કાર કર્યાના દાખલા છે છતાં વારાંગનાઓએ કદી રાજ્યનો વિરોધ નથી કર્યો. ઊલટી રાજ્યની મહેરબાની મેળવવાને ઉત્સુક રહેતી. પણ મારો એક માત્ર સ્પર્શ સહન નથી કરી શકતી. એકને બેદિલી માટે દેશવટો દીધો, બીજીને અપમાન માટે દેહાન્તનો દંડ દીધો, અને હમણાં બાતમી છે કે બધી વારાંગનાઓ નાસી છૂટવાની તક માત્ર શોધે છે. હવે આનો કંઈ ઉપાય કરવો ઘટે છે.”
“કેવા પ્રકારનો ?”
“જેથી સ્ત્રીઓથી તદ્દન સ્વતંત્ર રહી શકાય. જરા પણ તેના ઉપર આધાર ન રાખવો પડે.”
“જ્યાં સુધી સ્ત્રીપુરુષાત્મક સૃષ્ટિ છે ત્યાં સુધી કેવળ સ્વતંત્રતા તો અશક્ય છે. પણ એવું એક અંજન છે જે આંજવાથી સ્ત્રીનો દેહ જોઈ શકાય, વસ્ત્રો દૃષ્ટિને વ્યવધાનરૂપ થાય નહિ, અને એ દૃષ્ટિના સ્મરણ માત્રથી ઈષ્ટ ઉપભોગ થઈ શકે.”
“બસ એ ઉપાય સાચો છે. તેમાં કશો અપાય થવા સંભવ છે?”
“પ્રથમ પ્રયોગ છે, હું કહી ન શકું.”
“ત્યારે મોકલો. કેટલે દિવસે મોકલી શકશો? ”
“પંદર દિવસ તેને સિદ્ધ કરતાં થશે.”
“ભલે, પંદર દિવસે હું દૂત મોકલીશ. એ જ વસ્તુ છે તેને માટે આ નિશાની મોકલશો અને આ વખતે ચાર માસે પાછા આવશો. નવો પ્રયોગ છે.”