અને ગોળધાણા વહેંચવાનું તો ભૂલી જ ગઈ ! જા, ચારુ, લઈ આવ તો. ( ચારુ૦ જાય છે ) આજ સવારે જ તાજા ધાણા લીધા છે. આ ધાણામાં જ આ શુભ પ્રસંગનું નિમિત્ત હશે. દરેક કણ ઉપર ભગવાન તેનું નિમિત્ત લખે છે.
સુધીન્દ્ર : હાસ્તો, તારે મન તો સુશીલા ઉપર પણ મારૂં નામ હતું ખરું ? સુશીલા ! બધાના કરતાં બાને વધારે કોડ હતા.
સુમતિ : હા હતા, હતા; સાત વાર હતા, જા. કહેનાર કહી રહ્યો ? આગલી વાત તમે છોકરાં શું જાણો ? સુશીલા તો આવડી હતી ત્યારની મારી જ હતી. આ તો વળી · · · (ચારુ૦ આવે છે. સુમતિ વાક્ય પૂરું કરવું ભૂલી જાય છે. ચારુ૦ પાસેથી કંકાવટી લઈ સુશીલાને ચાંલ્લો કરતાં તેના સામું જોઈ રહે છે.)
સુશીલા : બા, એમાં શું જોઈ રહો છો ? હું તમારે ઘેર આવતી તેની તે જ છું.
સુમતિ : સુશી ! તારું મોં તો ચણ્યું ને ચૂંટ્યું તારી મા પ્રભાવતી જેવું જ છે '· · · એ આવશે ત્યારે એટલા બધા ખુશી થશે ! એ તો કહેશે મારા ઘરમાં દેવી આવી.
સુધીન્દ્ર : સુશીલા ! આપણે દેવી બેવી નથી થવું હોં ! માણસ માણસ રહે તો ઘણું છે.
[ ડૉ. કેશવલાલ પ્રવેશ કરે છે. ]
સુમતિ : સારું થયું, તમે પણ આવી પહોંચ્યા. લો ગોળધાણા. આપણી સુશીએ સુધીના વિવાહ કબૂલ્યા.
કેશવ૦ : હું ઘણો રાજી થયો. અને તમે ધારો તે કરતાં મારે રાજી થવાનાં બીજાં ઘણાં કારણો છે. પ્રો. ભોળાનાથ અને હું ગાઢ મિત્રો હતા તે તો તમે સૌ જાણો છે. જ્યારે સુશીલાનો જન્મ થયો ત્યારે તેમણે કહેલું કે આપણાં બચ્ચાં મોટાં થયે પરણે તો કેવું સારું?