સુમતિ : લે, જો, સાંભળ, ડાહ્યો થતો હતો તે ! સુશીલા મારી ખરી કે નહિ?
કેશવ૦ : પણ, પછી તો ( અટકીને, શ્વાસ લઈને ) સુશીલાનો વાલી થયો, એટલે એ વાત આજ સુધી અમે તમને કોઈને કરી નહોતી. સુશીલા મોટી ઉંમરની થઈને સ્વતંત્ર રીતે જ નિશ્ચય કરે એમ હું ઇચ્છતો હતો. આજે ભોળાનાથભાઈનો સંકલ્પ પાર પડ્યો. અત્યારે મને એમનાં કંઈ કંઈ સ્મરણો થાય છે.
સુમતિ : તમને નથી લાગતું—ભોળાનાથભાઈએ કૉલેજમાં પ્રોફેસરની જગા લીધી, અને એ અને પ્રભાવતીબહેન બન્ને આપણે ત્યાં ઉતર્યાં, ત્યારે પ્રભાવતીબહેન બરાબર આ સુશીલા જેવાં લાગતાં ? રૂપ રૂપનો અંબાર ! સુશીલા બરાબર મારી બહેન ઉપર ઉતરી છે.
કેશવ૦ : પણ બુદ્ધિમાં તેને ભોળાનાથભાઈનો વારસો મળ્યો છે. એવડી નાની ઉંમરે પણ ભોળાનાથે ફિલસૂફ઼ીમાં નામ કાઢેલું હતું.
સુમતિ : અહોહો ! લોકો તો એમને જોઈને ચકિત થઈ જતાં. બેઉ સાથે ફરતાં હોય ત્યારે ઇન્દ્ર ને ઇન્દ્રાણી જેવાં લાગે ! એમના જેવું સુખી જોડું મેં જોયું નથી.
ચારુ૦ : અત્યારે એ હોય તો આ જોઈને કેટલા સુખી થાય !
સુમતિ : અરેરે, પ્રભાવતીની પણ અત્યારે આ દશા. મારી સુશીલાને છતી માએ નમાઈ થઈને રહેવા દહાડો આવ્યો !
કેશવ૦ : ( ઊઠતાં ઊઠતાં ) ત્યારે સુશીલા ! આજે અહીં જ રહી જા. અહીં જ જમજે. ( હૅટ હાથમાં લઈ જાય છે.)
સુશીલા : હજી તો મેં દયાબાને પણ ખબર નથી આપી. અહીં જ સીધી આવી છું.—( જરા શરમાતાં, સંકોચથી ) આ જ ઢૂકડું પડે એટલે.