સુશીલા : આ તમને બધાંને આટલી ઉતાવળ શાથી
થાય છે તે મને સમજાતું નથી. જુઓ, સુધી હંમેશ મને
મળવા આવે છે, કદી એ વાત નથી કાઢતો. ડૉક્ટર કાકા
કદી નથી બોલતા. અને તમને અને બાને બીજું સૂઝતું નથી !
મને લાગે છે હવે મારે સ્ત્રીઓ કરતાં પુરુષો સારા છે. એમ
માનવું પડશે !
ચારુ : પણ તું કાંઈ પણ કારણ આપ્યા વિના મોડું કરે તે કેમ કોઈથી ખમાય ?
સુશીલા : ચારુબહેન ! તમે બધાં હૃદયની કવિતા લૂંટી લો એવાં છો.
ચારુ૦ : નહિ, નહિ. અમે તો તારા હૃદયની કવિતા વહેલી શરુ થાય માટે આમ કરીએ છીએ.
સુશીલા : ત્યારે જુઓ, હું તમને કહું, મારી બા એસાઇલમમાંથી આજથી ત્રણ મહિને છૂટી શકે એમ ડોક્ટર કહે છે. બીજું એ, કે મેં મારા પિતાનું સુંદર બાવલું કરવા ઑર્ડર આપ્યો છે. તે પણ તે અરસામાં આવશે. મને એમ કે મારી બા આ બધું જુએ તો તેને આનંદ થાય. મને એવી ઈચ્છા કે આ બધું તમને ઓચિંતું દેખાડું, પણ તમે મારા મનની કવિતા બગાડી નાંખ્યા વિના ક્યાં રહો એવાં છો ?
ચારુ૦ : તો ગાંડી, એકલી એકલી કવિતા કરે તેમાં અમે શું કરીએ ? કવિતા એકલાં કરવાની નથી. સૌને કહ્યું હોત તો શું બગડી જાત ? લે ત્યારે હવે બાને અને દયાફઇને બોલાવું.
સુશીલા : તમે આ બધાં ઘેરો ઘાલવા આવ્યાં છો. એવી ખબર હોત, તો મારો રહસ્યગઢ બે ઘડી ટકાવી રાખત.
[ સુધીન્દ્ર પ્રવેશ કરે છે. ]
ચારુ૦ : ( સુધીન્દ્રને જોતાં ) આ ઘેરામાં નવી કુમક.
સુશીલા : નહિ. એને હમેશ માફક આવવાનો વખત ક્યારનો થઈ ગયો છે.