સુધીન્દ્ર : કેમ આ લશ્કરની શી વાતો કરો છો?
ચારુ૦ : એ તો મેં એને પૂછ્યું કે તમે લગ્નની તારીખ કેમ ઝટ નથી નક્કી કરતાં, ત્યારે કહે છે કે મારા મનની વાત બહાર કઢાવીને તમે મારા હૃદયની કવિતાનો નાશ કરો છો.
સુધીન્દ્ર : પણ જેમ ભણવામાં કવિતાનું ગદ્ય કરવું પડે છે, તેમ જીવનમાં પણ હૃદયની કવિતાનું ગદ્ય કરવું જ પડે જીવનમાં શુદ્ધ કવિતા ભોગવાય એ આશા જ ખોટી છે.
ચારુ૦ : ચાલો હું બાને અને દયાફઈ ને બોલાવી લાવું.
સુધીન્દ્ર : તારે જવું હોય તે જા. નહિ તો મારે કશી ખાનગી વાત કરવાની નથી.
ચારુ૦ : પણ મારે કામ છે. ( જાય છે )
સુશીલા : કેમ ત્યારે હવે ચાનું કરું ને ?
સુધીન્દ્ર : જરૂર. ચા પણ ખરી અને સાથે કંઈ ખાવાનું પણ ખરું.
સુશીલા : મેં તમારી ઘણીવાર રાહ જોઈ. આજે કેમ મોડું થયું?
સુધીન્દ્ર : મિસ કામટ લેબોરેટરીમાં હતાં. તેમને એક થિયરી સમજાવતો હતો.
સુશીલા : તે હજી એ લેબોરેટરીમાં આવે છે ? એને એટલું બધું શું ભણવું છે?
સુધીન્દ્ર : કેમ ભણે નહિ ? હું કેમ ભણું છું?
[ચારુ અને સુમતિ આવે છે.]
સુશીલા : દયાફઈ કેમ ન આવ્યાં ?
સુમતિ : ચા કરવા રોકાયાં છે.
સુશીલા : ના, ના, ચા હું કરીશ. સુધીન્દ્ર માટે ત્રણ પ્યાલા મૂકવાના છે. અને કંઈ ખાવાનું પણ જોઈશે.
ચારુ૦ : જાણે તું જ સુધીની ટેવ જાણતી હઈશ. ચા તો સૌને માટે ક્યારની મૂકી છે અને હમણાં—લે જો, દયાફઈ