પણ મેં જોઈ છે. હવે તેમાં સિદ્ધાન્ત તો એ જ ને, કે કોઈ પણ ઉગ્ર ગન્ધ લેવરાવવી. ત્યારે સુંદર અત્તર કેમ ન સંઘાડવું? તમે ડોક્ટરોએ વધારે સૌમ્ય ઉપાયો શોધવા જોઈએ.
સુધીન્દ્ર : અશક્ય. એ ખાસડાનું કામ અત્તર નહિ જ કરે. ખરાબ ગંધની જ ત્યાં અસર છે.
કેશવ૦ : બહેન, પણ અતિહર્ષથી કોઈ વાર માણસને ઉન્માદ થઈ જાય છે. હું તો પ્રભાવતીને લગ્ન પહેલાં લાવવાની સલાહ ન આપું.
[ અહીંથી વાતાવરણ ગમગીન, ભારે અને નિરુત્સાહક થતું જાય છે. ]
ચારુ૦ : તે હેં બા ! પ્રભાવતી માસીને ચિત્તભ્રમ શાથી થયો ? અતિહર્ષથી થયો હતો ?
સુમતિ : ના. ભોળાનાથભાઈ ગુજરી ગયા તેના આઘાતથી તે જ વખતે ગાંડાં થઈ ગયાં હતાં.
કેશવ૦ : (શૂન્ય મને ) ના. કદાચ તે પહેલાં ગાંડાં થઈ ગયાં હશે.
ચારુ૦ : ભોળાનાથકાકા શાથી ગુજરી ગયા ?
કેશવ૦ : કંઈ ખબર પડી નથી.
સુમતિ : તમે તો કહેતા હતાને કે હાર્ટ ફેઈલથી ગુજરી ગયા?
કેશવ૦ : એ તો કાંઈ કારણ ન જણાયું એટલે અટકળથી એમ કહ્યું હશે.
સુશીલા : કાકા, તમે ડૉક્ટર થઈને ન જાણો એમ બને? બા, તમને ખબર છે?
સુમતિ : ના, બા. એ તો નોકર આઠ વાગે બોલાવવા આવ્યો. સવાર હતી, અને ટાઢ તો કહે મારું કામ. અમને શી ખબર શા માટે આવ્યો છે. એ ગયો. અને પછી ઠાઠડી બાંધી રહીને જ બધાંને બોલાવ્યાં. હું ગઈ ત્યારે તો પ્રભાવતી સૂનમૂન બેઠી હતી. ત્યારથી એ અવાચક થઈ ગઈ છે.
સુશીલા : મને ડૉ. વ્રજરાય કહેતા હતા, કોઈ કોઈ વાર એકલાં બોલે છે.