સ્પષ્ટ ઘૃણા દેખાઈ આવે છે. આ બીજા ભાગની વાતોમાં લેખકની દૃષ્ટિમાં ફેર પડે છે – તેનો દૃષ્ટિકોણ બદલાય છે. લેખકને એમ જણાય છે કે જગતમાં ક્યાંક એવી જગાએ અનિષ્ટ રહેલું છે કે જેની પાસે માણસ લાચાર નિરુપાય હોય છે, અને એ અનિષ્ટ જેનામાં પ્રવેશેલું છે તે વ્યક્તિ તરફ પણ લેખક ઘૃણા કરી શકતો નથી. એક દાખલાથી આ બરાબર સ્પષ્ટ થરો. મુકુન્દરાય કૉલેજના વિદ્યાર્થી છે. તેવો જ ‘બે મુલાકાત’નો વિનાયક પણ કૉલેજનો વિદ્યાર્થી છે. મુકુન્દરાય કૉલેજના સંસ્કારોથી પિતા અને બહેન તરફ અનાદર કરે છે, વિનાયક પણ કૉલેજના સંસ્કારોથી પોતે પરણેલી સ્ત્રી તરફની જવાબદારી માથેથી કાઢી નાંખે છે. વાર્તાકારને મુકુન્દરાય તરફ સ્પષ્ટ ઘૃણા છે, વિનાયક તરફ તેને ધૃણા નથી, સમભાવ છે.
દૃષ્ટિકોણનું દૂરનું સૂચન ‘ખેમી’માં છે. ખેમીની દુર્દશા માટે ધનિયો નીતિના કડક ધોરણે જવાબદાર ગણાય. પણ બિચારાં ખેમી અને ધનિયો બન્ને જમાના — જૂના સંસ્કારોને અધીન, તેમાં ધનિયો શું કરે ! તે વાર્તામાં ધનિયા તરફનો લેખકનો સમભાવ ક્યાંઈ ખસવા પામતો નથી. એ દૃષ્ટિ આ બીજા ભાગની વાર્તામાં, પ્રાધાન્ય ભોગવે છે. બીજા ભાગમાં પણ ‘હૃદયપલટો’ જુની દૃષ્ટિની વાર્તા છે. ‘કુલાંગાર’ તો આગળ આવશે તેમ બહુ વહેલી કલ્પાયેલી હતી. પણ ‘દેવી કે રાક્ષસી’ લો. સ્ત્રીપુરુષનો સંબંધ, જેમાંથી મનુષ્ય જાતિએ ઉત્તમમાં ઉત્તમ પ્રેમ વિકસાવ્યો છે, તેમાં એવાં ગૂઢ અંધ બળો રહેલાં છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ તેની દોરી દોરાય છે ! આવાં અંધ બળોનો ઉપાય શો, તે તો કોઈ બતાવે ત્યારે ખરો, પણ એ અંધ