સુશીલા : આ હું શું સાંભળું છું ?
પ્રભા૦ : રાંડ કોઈ અહીં આવે તો ટાંટિયો જ વાઢી નાંખું. જો ને, કેટકેટલું કરું છું તો ય મારી સામું ય જુએ છે ? એ · · · ન તે મજા છે. કૉલેજમાં જવું, જુવાન છોકરીઓમાં ફરવું, સુધરેલાં ગણાવું, અને ઘેર અમારા સામું એ ન જોવું મોઢું ભૂંડું નહિ તો ! માર્યું હોય ના એક !
[ પ્રભા૦ બાવલાને મારે છે. બાવલું પડી જાય છે અને ભાંગે છે. તેના અવાજથી છળે છે, પડે છે. બેભાન થાય છે. સુશીલા ઊઠીને તેને માથે હાથ ફેરવે છે, જરા જરા ભીનું પાણી ચોપડે છે, પ્રભા૦ ઊઠે છે, સુશીલા સામું તાકીને જોઈ રહે છે અને પછી એકદમ ઊભી થઈ સુશીલાના વાળ પકડીને ખેંચતાં ]
પ્રભા૦ : રાંડ દયલી ! પાછી આવી ? રાંડ મેં કહ્યું’તું તારે મારે ઘેર ન આવવું. હું ને મારો ભાયડો હોઈએ ત્યાં ન આવવું. રાંડ આ પટિયાં કોના સારુ પાડ્યાં છે ? રાંડ જા, ટળ્ય અહીંથી કહું છું !
[ પ્રભા૦ સુશીલાને મારવા જાય છે. સુશીલા છટકી જાચ છે, તેને પકડવા જતાં પ્રભા૦ ભીનામાં લપસે છે. નીચે પટકાય છે, ફરી મૂર્ચ્છા ખાય છે. સુશીલા દીવો ઓછો કરે છે. પ્રભા૦ને માથે બરફ મૂકે છે. પ્રભા૦ શાંત થઈ જાય છે. તેને સરખી સુવાડે છે. તેનાં ભીનાં કપડાં દૂર કરે છે. સારી રીતે ઓઢાડે છે. ખુરશી પાસે લાવી તેના સામું જોતી બેસે છે. ]
સુશીલા : ઓહોહોહો એણે મને દયાફઈ ધારી ! મને તો એ ઓળખતી જ નથી. હાંહાં ! સમજાયું. મને તેણે ગાંડી થયા પહેલાં જોયેલી તે જ વખતની હું તેને યાદ છું. હું મોટી થઈ તે તેના ધ્યાન બહાર છે. ત્યારે દયાફઈ તરફ તેનો આવો ભાવ ? હવે સમજાયું, શા માટે દયાફઈ એની નજરે નહોતાં ચડતાં. શા માટે એમણે ઘર ચણાવવા જવાનું કહ્યું ! આજ