લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
દ્વિરેફની વાતો


સુશીલા : તે મેં એમને હજી કહ્યું નથી. ફઈ, મેં લગ્નનો વિચાર બંધ કર્યો છે. અત્યારે જ મેં સુધીન્દ્રને ફોન કર્યો સુધીન્દ્ર નહોતો એટલે ચારુબહેને ફોન લીધો. બાકી બધાંઓને તમે જરા ફોન કરી નાંખજો. મને આજે શરીરે ઠીક નથી.

દયા૦ : ( ગભરાઈને ) તું જરા ખેસ, મને વાત કર આ બધાં · · ·

સુશીલા : હાં હાં, સાંભર્યું. હું ખાણાવાળાને ફોન કરી ઑર્ડર રદ કરું. આ આવી. ( જાય છે. )

[ બધા શૂન્ય થઈ બેસી રહે છે. દયાકોર ગભરાય છે. ]

મિસિસ શાહ : દયાબહેન, તમને અત્યાર સુધી કશું કહ્યું જ નથી ?

દયા૦: કશું જ નહિ ! આનું મારે શું કરવું તે મને સમજાતું નથી.

મિસ પંડ્યા : તમે કંઈ જ જાણતાં નથી ? કોઈની સાથે કંઈ અણબનાવ થયો કે કંઈ સુધીન્દ્ર · · ·

દયા૦ : ગઈ કાલે સવારે તો હજી સુધીન્દ્ર અહીં આવ્યો હતો. અને અમે એટલા જ આનંદથી વાત કરતાં હતાં.

[સુશીલા આવે છે.]

મિસિસ શાહ : સુશીલાબહેન, અમને માફ કરો, પણ આ તો સારું ન ગણાય. અમને સમજાવો તો ખરાં, તો એનો કાંઈ ઉપાય થાય.

સુશીલા : લગ્ન થાય તેની સાથે સમાજને સંબંધ છે, એટલે લગ્નની વાત જાહેર થવાની જરૂર છે; લગ્ન બંધ રહે તે કેવળ ખાનગી છે. એવી વાત બહાર પાડવાની શી જરૂર ? લગ્ન બંધ કરવામાં કોઈનો પણ દોષ ગણાતો હોય તો હું કહું છું, તેને માટે જવાબદાર માત્ર હું છું. વાંક બધો મારો છે. ( ગાડી અને નર્સ આવે છે. દયા૦ને સંબોધીને )