લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
દેવી કે રાક્ષસી

બધું બોલતાં હો એમ દેખાય છે, તે મને અસહ્ય છે. હું કહું છું. અત્યારે જો સુધી હોય તે એમ ન કરે.

[ સુધીન્દ્ર પ્રવેશ કરે છે. ]

સુધીન્દ્ર : ‘સુધી હોય’ શા માટે ? આ સાચે જ છે.

ચારુ૦ : સો વરસનો થા ભાઈ, સંભારતાં જ તું આવ્યો.

સુધીન્દ્ર : કેમ મારા આયુષ્ય વિશે તમને શંકા પડી હતી કંઈ ?

ચારુ૦ : મને તો નહિ, પણ આ સુશીને જરૂર પડી હતી. તેને સ્વપ્ન આવ્યું કે તે તને ખાઈ ગઈ. તે ઉપરથી તેને વહેમ પડ્યો છે કે પોતામાં તને ખાઈ જવાની ગૂઢ વૃત્તિ છે. માટે તેણે પરણવાનું બંધ રાખ્યું છે.

સુધીન્દ્ર : પણ સાચે જ ખાઈ જવાનું મન નથી થયું ને ? સ્વપ્નનો વાંધો નહિ. એક બાઈને એવું સ્વપ્નું આવ્યું હતું કે જાણે તેણે છરીથી ચીરીને પોતાનો ધણી ખાધો, પણ તેનું કારણ એટલું જ હતું કે તે દિવસે તેણે કંઈક ચીરીને પોતાના ધણીને પીરસેલું હતું. સ્વપ્નામાં એમ બે વાતો વિલક્ષણ રીતે ભેગી થઈ જાય છે.

સુશીલા : ( તપીને, જરા ઉપડતે સાદે, ચારુ૦ને ) જુઓ તમે મશ્કરી ન કરો. ચારુબહેન, તમે ઊંધી વાત બોલ્યાં. સરખું કહો. મારો સ્વભાવ તો મેં ગઈ રાત્રે પારખ્યો. સ્વપ્ન તો પછી આવ્યું. બધી વાત તમે બરાબર કરો.

સુધીન્દ્ર : ખરેખર એવું સ્વપ્ન આવ્યું ?

સુશીલા : હા, સુધી ! હું તો રાક્ષસી છું. હવે મને સમજાય છે.

સુધીન્દ્ર : જો એ પણ કવિતા થઈ. જેમ ‘દેવી’ એ કવિતા તેમ ‘રાક્ષસી’ એ પણ કવિતા. ખરી વાત તું એમ નહિ કહી શકે.

[ દયા૦ આવી ચા અને બિસ્કીટ મૂકી જાય છે. આ પછીની વાતચીત ચા લેતાં લેતાં ચાલે છે. ]