ચારુ૦ : સુશી ! તું જરા ખાતી થા, સવારની ભૂખી છે.
હું વાત કરું છું. જુઓ સુધીભાઈ ! ગઈ રાતે પ્રભાવતી માસી
અહીં આવ્યાં હતાં. તેમણે રાત્રે આ બાવલુ ભાંગી નાખ્યું.
એટલું તો મને પણ સાચું લાગે છે કે તેમને જ હાથે ભોળાનાથ
કાકાનું મહોત થયું હશે. હું કહું છું, પ્રભાવતી માસીનું
ગમે તેમ હોય પણ સુશીલાને તેથી શું ?
સુશીલા : ( તપીને ) નહિ, ચારુબહેન જાણે લગ્ન કરાવવાને જ દલીલ કરતાં હોય એમ બોલે છે, તે મારાથી નથી ખમાતું !
સુધીન્દ્ર : પણ ત્યારે તમે પણ એમાં તપી શા માટે જાઓ છો ? તમારે તપવું હોય તો તમારા તાપથી આ ચા ગરમ રહેશે. તમે લડો અને હું વચમાં બેઠો બિસ્કીટ ખાધા કરીશ.
[ સુશીલા ખુરશી ઉપર આરામથી બેસે છે. અહીંથી વાતાવરણ આછું તંગ થતું જાય છે. ]
સુશીલા : લો ત્યારે નહિ તપું ! પણ મને તમે કહો કે આ વૃત્તિ એ સાચી છે કે ખોટી છે?
સુધીન્દ્ર : ત્યારે સાંભળો, મને આમાં કશું જ નવું નથી લાગતું. દરેક સ્ત્રીમાં પતિને ખાવાની ગૂઢ વૃત્તિ હોય છે.
સુશીલા : ( જરા ઉત્સાહથી ) સાચું કહો છો સુધીન્દ્ર ? ખાવાની એટલે શું ?
સુધીન્દ્ર : મને એને માટે ખાવા સિવાય બીજો શબ્દ નથી જડતો. મધમાખી ગર્ભાધાન કર્યા પછી નરમાખને ખાઈ જાય છે. બીજા કેટલાંક જંતુઓમાં પણ માદા એમ નરને ખાય છે. આપણે વધારે સૂક્ષ્મ જીવન ગાળીએ છીએ, એટલે આપણામાં સ્ત્રીઓ પુરુષનું સૂક્ષ્મ સ્વતંત્ર જીવન ખાઈ જાય છે. પુરુષ પોતાનું સ્વતંત્ર ધ્યેય છોડી, માત્ર તેનો પરિચારક થઈ રહે, એવી ગૂઢ ઈચ્છા દરેક સ્ત્રીમાં હોય છે.