સુધીન્દ્ર : પણ હું તારાથી ખવાઈ જાઉં એવો માણસ નથી ને ! જે માણસને પોતાનું ધ્યેય હોય તે બીજામાં લેવાતો નથી. એવા પુરુષની સ્ત્રી પછી ફરિયાદ કરે છે કે મારો પુરુષ મને ચાહતો નથી ! અને એવી ફરિયાદમાંથી દંતકથા શરૂ થાય છે કે સ્ત્રી પ્રેમમૂર્તિ છે, અને પુરુષ પ્રેમનો બેકદર છે.
સુશીલા : ત્યારે કેટલાક પુરુષો પણ એમ શા માટે કહે છે?
સુધીન્દ્ર : જે પુરુષોને સ્ત્રી ખાવી હોય છે, તેઓ સ્ત્રીને પોતાના પાશમાં પકડવા આવાં વચનો કહે છે.
ચારુ૦ : વાહ સુધી ! તું તો કંઈ બોલ્યે જ જાય છે ! પુરુષો પણ સ્ત્રીને ખાય છે એમ?
સુશીલા : પ્રાણીઓના દાખલામાં તો માત્ર માદા જ નરને ખાતી હતી !
સુધીન્દ્ર : પ્રાણીઓમાં જો નર માદાને ખાય તો સૃષ્ટિ જ ન ચાલે. પણ્ માણસોમાં ખાવાની રીતો સૂક્ષ્મ થઈ એટલે બન્ને એકબીજાને ખાઈ શકે છે.
સુશીલા: તું તો આજે કંઈ ગપ્પે ચડ્યો છે !
ચારુ૦ : તું પણ ખાય એવો ખરો કે?
સુધીન્દ્ર : હા ! હું પણ એવો જ છું. આ જેને આપણે ચુંબન કહીએ છીએ તે શું છે? મૂળ તો એકબીજાને બચકાં ભરવાની એ ક્રિયા છે. માણસોએ તેને સૂક્ષ્મ બનાવતાં તેનું ચુંબન કર્યું. અને એ મનુષ્યભક્ષણવૃત્તિથી હું કેવળ નિર્દોષ હોઉં, તો પૂછો સુશીલાને.
ચારુ૦ : સુધી ! તું તો બહુ જ જંગલી છે. ન બોલ ત્યાં સુધી જાણે મોંમાં જીભ જ નથી, જાણે કોઈ મૂરખ મૂંજી બેઠો હોય, અને બોલવા માંડે ત્યાં ઘાસ પણ ન ઊગે એવુ બોલે.