લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
બે મુલાકાતો

કર્યા વિના જેલનું કામ ચાલે છે. બહારની મુક્ત હવા પણ એકવાર અટકાયત વિના, એક વાર બંધાયા વિના, અંદર ન જઈ શકે એ જ જેલનું મુખ્ય કામ હોય તેમ, બન્ને સામસામા દરવાજા એક સાથે ઉઘાડા ન રહી જાય તેને માટે સૌથી વધારે ધ્યાન અપાતું હતું. કોઈ વાર બહારનો દરવાજો ખૂલતો પણ તે માત્ર અંદરના કેદીઓને બહાર કામ ઉપર લઈ જવા અથવા બહારથી કામ કરી આવેલા કેદીઓને અંદર લઈ જવાને. અને તે વખતે પીળી ટોપીવાળા અભણ વૉર્ડરોની ‘ગિનતી'ની ધમાલ એટલા ભાગમાં પસરી જતી. દર ક્ષણે ‘ગિનતી’ થતી, કેટલા ગયા કેટલા આવ્યા કેટલા બાકી રહ્યા, તેના હિસાબની ભૂલ, ભૂલની આશંકા, બહારનાની અને બાકીનાની ફરી ગિનતી, કોઈ ઑફિસરના આવવા કે જવા વખતની, અનેક વાર મારી મારીને બરાબર પઢાવી દીધેલી સલામો, અંદરના ચાલતા પંખા, મોટેથી ઉચ્ચારાતા હુકમો અને તેને તેથી વધારે મોટા જીકારથી આપેલો જવાબ, ટાઇપોનો ખડખડાટ એ આડે ત્યાં અન્ય કોઈ વ્યાપારને અવકાશ નહોતો.

અંતે વિનાયકનું નામ બોલાયું એટલે એ ડોશી લોટો હાથમાં લઈ ઊભી થઈ. દરવાજાની ભારે જાળી એક પીળી ટોપીવાળાએ ઉઘાડી, ડોશી અંદર ગઈ, અને એ બારી પાછી ધીમે રહીને દેવાઈ ગઈ. ડોશીથી અજાણતાં એ દેવાતી બારી તરફ શંકાની નજરથી જોવાઈ ગયું. પીળી ટોપીવાળા વૉર્ડરે આ જોઈને દરવાજાની અંદરની એક ઓરડી બતાવતાં જેલની ભાષામાં કહ્યું “હ્યાં બેઠો.” જેમ જેલ સમાજની બહાર છે તેમ જેલની ભાષા પણ સમાજની બહાર છે.

ડોશી એ સામાન ભરેલા ઓરડાના બારણા તરફ જોતાં બેઠાં એટલામાં થોડી વારે જેલની વિધિ પ્રમાણે અંદરના