દરવાજાની બારી ઉઘડી ને વિનાયક આવ્યો. જાણે તેના શરીરને પણ સળિયાની જાળીમાં જકડી લેવું હોય તેમ તેનાં પહેરણ અને ટૂંકી ચોરણી ઉપર કદરૂપી મોટી ચોકડીની ગળિયલ ભાત હતી. આ વિચિત્ર પહેરવેષ જોઈને તેની માથી એકવાર તો દબાયેલા સ્વરે “બાપુ વીનુ” એવી હાય નંખાઈ ગઈ. વીનુએ આશ્વાસનથી કહ્યું: “આવો બા ! હું મજામાં છું.”
“બાપુ તારું શરીર તો સારું છે ને!”
“હા, બા, મારી ફિકર કરશો નહિ.”
“તને ખાવાનું તો ફાવે છે ને!” ખવરાવવું પોષવું એ અનેક યુગોની સાધનાથી માતાના જીવનમાં જેટલું રહસ્યભૂત પવિત્ર અને ભવ્ય થયું છે તેટલું બીજા કોઈના જીવનમાં નથી થયું. પત્નીને પણ ‘ભોજ્યેષુ માતા’ થવું પડે છે.
“હા ! બા મને મજા પડે છે!”
“તને શું ખાવા મળે છે?”
“રોટલા દાળ શાક બધું મળે છે. અને સવારમાં કાંજી મળે છે તે તો એટલી સરસ હોય છે કે મને લાગે છે કે આપણે ઘેર પણ દાખલ કરવી જોઈએ.”
“મેં તો સાંભળ્યું કે રોટલામાં સરકાર સીમેન્ટ નંખાવે છે.” શરુઆતમાં રોટલામાં કાંકરી આવતી હતી તેનો લોકકલ્પનાએ આવો ખુલાસો કર્યો હતો.
“ના રે બા ! એવું હોય ? મારું તો અહીં વજન પણ વધ્યું છે.”
‘વજન’ શબ્દ આવ્યો એટલે આ વાતચીત ઉપર જે કારકુનને ચોકી રાખવા મૂક્યો હતો તે એકદમ એની નિદ્રામાંથી જાગૃત થઈ બોલી ઊઠ્યો: “વજનની વાત ન કરો.”
વિનાયકે કહ્યું: “પણ હું વજન ઘટ્યાની વાત નથી કરતો. વજન વધ્યાની તો વાત કરાય ને!”